રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે શાપરમાં આવેલા ગેરેજમાં દરોડો પાડી અહીંથી ૧૪૪ બોટલ દારૂ સાથે ગેરેજ સંચાલક સહિત બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે દારૂનો જથ્થો સહિત રૂ.૧.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતી દરમિયાન હકીકત મળી હતી કે, મનીષ બળવંત સોદરવા અને ભાર્ગવ રાજા પીપરોતર નામના બે શખસો શાપરમાં દાસારામ ઓટો ગેરેજ નામના ટીલાળા ગેટની અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ગેરેજ પર રેડ પાડીને બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે વિદેશી દારૂની કુલ ૧૪૪ બોટલો રૂ.૬૦,૧૪૪, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧.૨૫ લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોની પુછતાછ આદરી હતી. પકડાયેલા આરોપીઓમાં ૨૬ વર્ષીય મનીષ બળવંત સોદરવા (રહે. શાપર ગામ, શિવમ પાર્ક સોસાયટી, મૂળ ગામ-વસપડા, વંથલી) જે મજૂરી કામ કરે છે, અને ૨૧ વર્ષીય ભાર્ગવ રાજા પીપરોતર (રહે. શાપર ગામ, વછરાજ ડેરી ફાર્મ પાછળ, મૂળ ગામ-રાણપરડા, ભાણવડ) જે ગેરેજ ચલાવે છે, આરોપી મનીષ સોદરવા અગાઉ પણ શાપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ ચોપડે ખુલ્યું છે.આ કામગીરીમાં રૂરલ એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, બીજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા તથા ટીમ સાથે રહી હતી.