જસદણના ભાડલા નજીક કનેસરા પાસે પુરપાટ ઝડપે જતી કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક સહીત બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ખડખાવડીનો યુવાન પરિચિતની કાર લઈ આધેડને ચક્કર મારવા જવાનું કહી નીકળ્યો હતો. કાર પુરપાટ ઝડપે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ નીચે ઉતરી વીજપોલ સાથે ભટકાવાથી અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે યુવાન અને આધેડના પરિવારમાં ગમગીની છવાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ જસદણના ખડખાવડી ગામે રહેતા સામતભાઈ માંડાભાઈ મકવાણા (ઉ.વ.61)ના ગામમાં હતા ત્યારે ગામના સંજય પ્રેમજીભાઈ પલાળીયા (ઉ.વ.38)ના પરિચિત જેન્તીભાઇ મકવાણાની જીજે-03-ઇસી-4005 નંબરની ફોર્ડ ફિગો કાર લઈને આવી સામતભાઈને ચક્કર મારવા જવાનું કહેતા સામતભાઈ કારમાં બેઠા હતા. કનેસરા રોડ પર સંજયે કાર પુરપાટ ઝડપે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ રોડની નીચે ગોથા ખાઈ જતા આસપાસના વાડીમાં રહેતા લોકો-વાહન ચાલકો સહિતના દોડી આવ્યા હતા અને બન્નેને અંદરથી બહાર કાઢી ગંભીર હાલતમાં જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ ભાડલા પોલીસને કરવામાં આવતા પોલીસ જસદણ સરકારી હોસ્પિટલએ પહોંચી મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી પુરી કરી મૃતક સામતભાઈના પુત્ર મુકેશભાઈ (ઉ.વ.37)ની ફરિયાદના આધારે કાર ચલાવનાર મૃતકે સંજય પલાળીયા સામે ગુનો નોંધ્યો છે.અકસ્માતમાં આધેડ અને યુવાનનું મોત નિપજતા બંનેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application