#aajkaal team
રંગીલા રાજકોટના આંગણે આયોજિત લોકમેળાના બીજા દિવસે મેળાનો રંગ વધુ જામ્યો હતો. લોકમેળાનો આકાશી નજારો અત્યંત નયનરમ્ય અને આકર્ષક જણાઈ રહ્યો હતો. ખાસ કરીને સાંજ પડતાં જ મેળા પરિસરમાં ગોઠવવામાં આવેલી વિવિધ રાઇડ્સોની ઝગમગતી અને રંગબેરંગી લાઈટોએ સમગ્ર મેળાના વાતાવરણમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ડ્રોન અને ઊંચાઈ પરથી લેવાયેલા દ્રશ્યોમાં મેળો રોશનીના સુંદર ઝગમગાટ સાથે અદભુત દ્રશ્યમાન થતો હતો.
બે દિવસમાં ૨ લાખથી વધુ મુલાકાતીઓનો ધસારો
ઉત્સવપ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ લોકમેળામાં શરૂઆતના પ્રથમ બે દિવસમાં જ બે લાખથી વધુ લોકોએ હાજરી આપીને મેળાની મજા માણી છે. રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે મેળો માણવા પહોંચ્યા હતા. રમકડાંની દુકાનો, ખાણી-પીણીના સ્ટોલ્સ અને મનોરંજનના વિવિધ સાધનો પર ભક્તો અને ઉત્સવપ્રેમીઓની ભારે ભીડ જોવા મળી હતી.
આકાશી ચકડોળ અને થ્રિલિંગ રાઇડ્સ મુખ્ય આકર્ષણ
મેળામાં આવતા મુલાકાતીઓ માટે વિશાળ આકાશી ચકડોળ (જાયન્ટ વ્હીલ), ટોરા-ટોરા અને અન્ય થ્રિલિંગ રાઇડ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો રાઇડ્સની મજા માણતા નજરે પડ્યા હતા. રાઇડ્સ પર લાગેલી કલરફુલ LED રોશની અને રાત્રિના સમયે ઝગમગતો મેળો આબાલવૃદ્ધ સૌ કોઈને આકર્ષિત કરી રહ્યો છે.
તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા અને સુવિધાનું આયોજન
લોકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મેળાનો આનંદ માણી શકે તે માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળા પરિસરમાં સીસીટીવી કેમેરા, વોચ ટાવર અને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને ઇમરજન્સી મેડિકલ ટીમ પણ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે.