અમરેલી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજનો પીએ અને પોતે કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપી જજ સાહેબના ડ્રાઇવર તરીકે ભરતી કરવાની છે અને આ માટે જજ સાહેબના ખર્ચા માટે ખાનગી સેટિંગ કરવું પડે તેમ કહી જેતપુરના ખજૂરી ગુંદા ગામના યુવક પાસેથી રૂ.2 લાખ લઈ જજની ખોટી સહી સાથેનો નોકરીનો ઓર્ડર આપી દીધો હતો. યુવક લેટરમાં લખેલી નોકરીની તારીકે અમરેલી કોર્ટમાં હાજર થતા રજિસ્ટ્રારે આવી કોઈ ભરતી કરવામાં આવી નથી તેમ કહેતા યુવક સાથે છેતરપીંડી થઇ હોવાનું લાગતા ગામમાં જ રહેતા પ્રકાશ ઉર્ફે બાબુ રવજીભાઈ દાફડા સામે બગસરા પોલીસમાં ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહેતો અને ખેતીકામ કરતો નિકુંજ કડવાભાઇ બુટાણી (ઉ.વ.27) નામનો યુવક ગત તા.18-7ના રોજ પોતાની મોટરસાઈકલ રીપેર કરાવવા બગસરા ગયો હતો ત્યારે ગેરેજ વાળા ચેતનભાઈ સાથે યુવક સરકારી ભરતી બાબતે વાતચીત કરતો હતો દરમિયાન માવજીંજવા ગામનો પ્રકાશ ઉર્ફે બાબુ રાવજીભાઈ દાફડા ત્યાં આવી બંનેની વાતચીત સાંભળીને પોતાની ઓળખ સરકારી કર્મચારીની અને કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાની આપી હતી. હાલમાં પોતે અમરેલી ડીસ્ટ્રીકટ જજ બુખારી મેડમનો પીએ છે અને મને ઓબ્સર્વેશન માટે અમરેલીથી લાઠી, લીલીયા, બાબરા વિગેરે જગ્યાએ મુક્યો છે. આગળ વાત કરતા શખ્સે જણાવ્યું હતું કે, અત્યારે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જજ સાહેબના ડ્રાઇવરની ભરતીની કામગીરી ચાલુ છે, તમારે નોકરીની જરૂર હોય તો હું સેટિંગ કરી આપીશ, આથી યુવકે પોતે 10 સુધી જ અભ્યાસ કર્યો હોવાનું કહેતા શખ્સે તેને ગ્રેજ્યુએશન હોવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. એમ છતાં ખાનગી સેટિંગ કરી આપીશ, જેના માટે જજ સાહેબને તમારે ખર્ચા પેટે રૂ.5 લાખ આપવા પડશે. યુવકે પોતાની સ્થિતિ સારી ન હોવાનું કહેતા બે લાખ આપવાનું નક્કી થયું હતું. યુવકે 19-7ના રોજ પ્રકાશને ગુગલ પેથી રૂ,2,03000 ટ્રાન્સફર કર્યા હતા.
જે બાદ શખ્સે 30 દિવસમાં ઓર્ડર આવી જશે, 3\યુવકે 30 દિવસ પછી ફોન કરતા શખ્સે બહાનું કાઢ્યું હતું કે, રજિસ્ટ્રાર સાહેબ રજા ઉપર છે આવી જશે એટલે ઓર્ડર કાઢી આપશે, જે બાદ એકાદ અઠવાડિયા પછી પ્રકાશનો યુવકને ફોન આવ્યો હતો અને ઓર્ડર લેવા માટે બગસરા બોલાવ્યો હતો. આથી યુવક બગસરા ઓર્ડર લેવા માટે ગયો હતો. યુવકને કવરમાં ઈંગ્લીશ ટાઈપ કરેલો લેટર આપ્યો હતો જેમાં અમરેલી ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ અમરેલી અને બુખારી મેડમની સહી સાથે તેમજ રમેશભાઈ રાજગોર ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટની ડિજિટલ સહી હતી. ઓર્ડરમાં તા.8 સપ્ટેબરએ હાજર થવાનું લખ્યું હતું. યુવક ઓર્ડર લઈને તા.8ના અમરેલી કોર્ટમાં હાજર થતા ત્યાં સરકારી રજિસ્ટ્રારે ઓર્ડર જોઈ આવી કોઈ ભરતી કરવામાં આવી નથી હોવાનું જણાવતા જ યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
યુવકે પ્રકાશને ફોન કરી પૂછતાં તેણે કહ્યું હતું કે, મારે જજ સાહેબ સાથે વાત થઇ ગઈ છે, અઠવાડિયા પછી તમને બોલાવશે, પરંતુ યુવકને પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ભણક લાગતા પૈસા પરત આપવાનું ફોનમાં કહેતા શખ્સ ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. આથી યુવકે બગસરા પોલીસમાં પ્રકાશ ઉર્ફે બાબુ દાફડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.