BREAKING NEWS

વિમલનગર પાસે એટીએમના કેશ ઓફિસરને બે શખસોએ લાફા મારી સ્ટાફને ધમકી આપી

  • November 06, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના વિમલનગર મેઇન રોડ પર શિવધારા સોસાયટી પાસે એટીએમએ કેશ લોડિંગ કરવા આવેલા કેશ ઓફિસર સહિતના સ્ટાફ સાથે બે શખસોએ સામું જોવા બાબતે માથાકૂટ કરી ઓફિસરને લાફા મારી દીધા હતા. આ શખસોએ ઓફિસર સાથેના સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ વિંછીયા તાલુકાના લાલાવદર ગામના વતની અને હાલ રાજકોટમાં કટારીયા ચોકડી પાસે પૂજા બોયસ હોસ્ટેલમાં રહેતા કુલદીપભાઈ હરેશભાઈ મેતાડીયા (ઉ.વ 19) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી અહીં રહે છે અને એરપોર્ટ ફાટક જૈન દેરાસર પાસે સીએમએસ કેશ મેનેજમેન્ટમાં કેશ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જેમની કામગીરી રાજકોટ શહેરમાં તમામ બેંકના એટીએમમાં કેશ (રોકડ) લોડિંગ તથા અનલોડીંગ કરવાની છે. ગઈકાલે તે તથા અન્ય કેશ ઓફિસર રાહુલભાઈ રાઠોડ, ડ્રાઇવર અરૂણભાઇ નિમાવત અને ગનમેન કિરીટસિંહ રાણા સાંજના 6:30 વાગ્યા આસપાસ ગાડી લઈ વિમલનગર મેઇન રોડ પર શિવધારા સોસાયટી ચાર રસ્તા પર આવેલ બીઓબીના બેન્ક એટીએમમાં કેશ લોડિંગ કરવા માટે ગયા હતા. કેસ લોડિંગ કરી પરત ફરતા હતા ત્યારે ગાડી પાસે બે અજાણ્યા શખસો રસ્તા પર આવતા જતા લોકોને ભૂંડી ગાળો દેતા હતાં. પરંતુ કોઈએ તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. એટીએમમાંથી રોકડ રકમ કેસેટ બેંગમાં ભરેલ જે કેસેટ બેગ ગાડીની પાછળના વોલેટમાં (રૂપિયા રાખવાની જગ્યા) માં રાખતા હતાં.


દરમિયાન આ બે અજાણ્યા શખસો પૈકી એકે સામું જોવા બાબતે અન્ય કેશ ઓફિસર રાહુલભાઈને ગાળો આપી હતી તે સમયે રાહુલભાઈએ યુવાનને ગાડીમાં બેસી જવાનું કહેતા આ શખસે તેનો કાંઠલો પકડી લાફા મારવા લાગ્યો હતો તેમજ તેની સાથેના અજાણ્યા શખસે પણ લાફો મારી દીધો હતો અને કહ્યું હતું કે, મારી સામું જોવે છે તેમ કહી રાહુલભાઈનો કાંઠલો પકડી ધક્કો માર્યો હતો. દરમિયાન ડ્રાઇવર અને ગનમેન નીચે ઉતરી જતા તેની સાથે પણ હાથાપાઈ કરી બંને ઝઘડો કરવા લાગ્યા હતા અને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસમાં ફોન કરતા પોલીસ આવે તે પૂર્વે આ બંને શખસો અહીંથી દોડીને ભાગી ગયા હતા. પરંતુ તેમનું સફેદ કલરનું ટુવિલર તેના નંબર જીજે 3 એસજે 1111 અહીં પડ્યું હતું. આ અંગે કેશ ઓફિસરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ વાહનના નંબરના આધારે આ બંને શખસોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News