BREAKING NEWS

રાજકોટમાં ઘરમાં ગેસના બાટલામાં વિસ્ફોટ, આગ ફાટી નીકળી: સાધના સોસાયટીમાં અફરાતફરી, બે વ્યક્તિ દાઝ્યા

  • March 27, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સાધના સોસાયટી વિસ્તારમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસના બાટલામાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ફાફડાટ ફેલાઈ ગયો હતો. અચાનક થયેલા આ બ્લાસ્ટને કારણે મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

આગની ઝપેટમાં આવતા મકાનની અંદર અને બહાર પડેલી માલમિલકતને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટનામાં એક કાર, બે ટુ-વ્હીલર, ખુરશીઓ અને ઘરવખરીનો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો છે. બનાવની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી આગ અન્ય મકાનોમાં પ્રસરે નહીં.


જ્વલનશીલ પદાર્થો હોવાની શંકા: પોલીસ તપાસ તેજ

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે, જે મકાનમાં બ્લાસ્ટ થયો ત્યાં અન્ય જ્વલનશીલ પદાર્થો પણ હાજર હતા. આ પદાર્થો શું હતા અને રહેણાંક વિસ્તારમાં કેમ રાખવામાં આવ્યા હતા, તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે હાલમાં પંચનામું કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને એફએસએલ (FSL) ની મદદ લેવાની પણ શક્યતા છે. ગેસ ગળતરને કારણે વિસ્ફોટ થયો કે અન્ય કોઈ કારણસર, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ દુર્ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાના નિયમોના પાલન સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application