જસદણ તાલુકાના કનેશરા-ખડવાવડી રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ, ખડવાવડી ગામના બે વ્યક્તિ કારમાં જસદણ તરફ જઇ રહી હતી ત્યારે તેમની કારે કાબૂ ગુમાવતા વીજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભુક્કો થઈ ગયો હતો અને કારમાં સવાર બંને વ્યક્તિ કારમાં દબાઈ ગયા હતા.
હોસ્પિટલ પહોંચે એ પહેલા બંનેના મોત
સ્થાનિક લોકોએ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ગ્રામજનોની મદદથી બંનેને કારમાંથી બહાર કાઢી જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ બંનેએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકોની ઓળખ ખડવાવડી ગામના સામત માધા મકવાણા અને સંજય પ્રેમજી પલાળિયા તરીકે કરવામાં આવી છે.
ઓવરસ્પીડને કારણે કારે કાબૂ ગુમાવ્યો
પ્રાથમિક માહિતી મુજબ, કાર ખૂબ જ તેજ ગતિમાં હતી અને સંભવતઃ સ્પીડના કારણે ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે આ દુર્ઘટના બની હતી. અકસ્માત પછી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે. એક જ ગામના બે વ્યક્તિના દુઃખદ મોતથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસે તપાસ હાથ ધરી
ભાડલા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના સાચા કારણો જાણવા માટે કારની ટેકનિકલ તપાસ સાથે સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. મૃતક બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.