જામનગર નજીક દરેડ વિસ્તાર તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા, જેમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજયા છે, દરેડ બસ સ્ટેન્ડ પાસે બુલેટ મોટરસાયકલને પાછળથી એક ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં બુલેટ સવાર દંપતિ પૈકી પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિ ઈજાગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત બીજો અકસ્માત લાલપુર પંથકમાં બન્યો હતો, જ્યાં બે મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં એક બાઈક ચાલક ખેડૂત યુવાનનું હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે.
જામનગરના ચેલા વાડી વિસ્તાર કેનાલવાળા રસ્તે રહેતા, ખેતીકામ કરતા સંજયભાઈ દુદાભાઈ ખૂંટી નામના (ઉ.વ.૩૨) નામનો યુવાન તેમના બુલેટ બાઇક નં. જીજે૨૫એસ-૮૮૦૦ માં પાછળ પત્ની શાંતિબહેન (ઉ.વ.૩૨) ને બેસાડીને દરેડ બસ સ્ટેન્ડ પાસેથી તા. ૨ બપોરના સુમારે પસાર થઇ રહયા હતા, ત્યારે બુલેટ મોટરસાયકલને પાછળથી આવી રહેલા જી.જે.૨૭ યુ-૬૫૫૮ નંબરના ટ્રકના ચાલકે બુલેટને ટક્કર મારી દેતાં બુલેટ માર્ગ ઉપર ફંગોળાયું હતું, અને દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું.
જે પૈકી શાંતીબેનને વધારે ઈજા થતાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત બુલેટ ચાલક સંજયભાઈ ખૂંટીએ પંચકોશી-એ. ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
અન્ય બનાવમાં લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીમશીભાઇ જેતશીભાઈ ડાંગર નામના ૪૦ વર્ષના ખેડૂત યૂવાન પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦એએસ-૫૮૫૭ લઈને લાલપુરથી નવી પીપર ગામે વાડીએ જવા માટે નીકળ્યા હતા.
દરમ્યાન પરિવાર હોટ સામે રોડની સાઇડમાં ઉભેલ જી.જે.૧૦ડી.બી. ૭૭૪૫ નંબરના બાઈકના ચાલકની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અને ખેડૂત યુવાન ભીમશીભાઈ ડાંગર નીચે પટકાઈ પડતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે ટેભડા ગામમાં રહેતા લગધીર જેતસીભાઇ ડાંગર દ્વારા લાલપુર પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.