BREAKING NEWS

જેતપુર અને ઉપલેટમાં ગોગો પેપર, ગોગો કોન સાથે બે વેપારી ઝડપાયા

  • December 18, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોગો પેપર અને ગોગો રોલના વેચાણને અટાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેતપુતર ઉદ્યોગનગર પોલીસ અને ઉપલેટા પોલીસે બે પાનની દુકાનેથી ગોગો પેપર અને કોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



હાલમાં રાજ્યમાં સગીર અને યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવા રોલિંગ પેપર કોન, રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ કરિયાણાની દુકાનો તથા ચાની દુકાનો પરથી મળી રહેતા હોય જેના લીધે યુવાવર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થાય છે. આથી રોલિંગ પેપર, કોન, રોલ જેવી વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેની પોલીસ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.



રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ જેતપુર ડીવાયએસપી આર.એ .ડોડીયાના માર્ગદર્શનમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડો.એમ.એમ.ઠાકોરની રાહબરીમાં ટીમ દ્વારા પાનની દુકાનોએ તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત જેતપુરમાં ભાદરના સામા કાંઠે આવેલી મારૂતિ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દુકાને ચેક કરતા અહીંથી રોલ કોન અને ગોગો પેપર નંગ 16 મળી આવતા પોલીસે દુકાનદાર ભાવેશ વિરદાસભાઇ મેરવાણીયા(રહે.૪૦ રહે.ગાયત્રી ચોક, ભારદના સામાકાંઠે) વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ એલ.ડી.મેહતા, એઅસસાઈ સંજયભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા, અજયભાઈ રાઠોડ, રિઝવાનભાઈ સીંજાત, હિતેશભાઈ વરૂ અને કોન્સ્ટેબલ ચેતનભાઇ ઠાકોર સાથે રહ્યા હતા.



જ્યારે ઉપલેટા પોલીસમાં મથકના સ્ટાફે ચેકિંગ દરમિયાન અહીં ભાદર રોડ પર પાંજરાપોળ ચોક પાસે વીર પાન નામની દુકાને તપાસ કરતા અહીંથી રોલિંગ પેપર, સ્મોકીંગ કોન સહિત રૂપિયા 1,920 નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દુકાનદાર વિશાલ નિલેશભાઈ દેસાઈ (ઉ.વ. 31 રહે. ઉપલેટા પાવન એપાર્ટમેન્ટ, પાંજરાપોળ ચોક) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application