BREAKING NEWS

શ્યામનગરમાં રાત્રીના ઘર પાસે પાર્ક કરેલા વાહનોને આગ લગાવી દીધી

  • October 10, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રાજનગર ચોક પાસે શ્યામનગરમાં ઘર પાસે પાર્ક કરેલા બે વાહનમાં મોડી રાત્રીના દેવનગરમાં રહેતા શખસે આગ લગાડી દેતા રૂ.૪૫ હજારનું નુકશાન થયું હતું. કોર્ટ મેરજ બાદ તકરાર થતા યુવતીએ અરજી કરી હોય જેનો ખાર રાખી વાહન સળગાવી દીધા હતાં. જે અંગે યુવતીના ભાઇની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.શહેરના રાજનગર ચોક પાસે શ્યામનગર શેરી નંબર ૨/૪ ના ખૂણે રહેતા પ્રશાંત હરસુખભાઈ સોલંકી (ઉ.વ.28) દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચંદ્રેશનગર મેઇન રોડ પર દેવનગર શેરી નંબર-૩ પ્લોટ નંબર 576 માં રહેતા પારસ ભવાનભાઈ પરમારનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં દાદી લીલાબેન, માતા મંજુલાબેન તથા પિતા હસમુખભાઈ, નાની બહેન હેમાંશી તથા મોટી બહેન ધારા જે જામનગરના ફલ્લા ગામે સાસરીયે છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 7-10 ના તેમણે ઘર પાસે રાખેલા જયુપીટર નંબર જીજે 3 એલપી 5733 તથા તેના મોટા બહેનના નામનું વાહન નંબર જીજે 3 એલ.ડી 3224 ઘર પાસે પાર્ક કર્યા હતા. તા. 8/10 ના મોડી રાત્રીના એકાદ વાગ્યા આસપાસ યુવાન માર્કેટયાર્ડમાં ફેરો કરવા માટે ગયો હતો. ત્યારે બંને વાહન વ્યવસ્થિત પાર્ક કરેલા પડ્યા હતા. બાદમાં વહેલી સવારના અઢી વાગ્યા આસપાસ પારસ પરમાર આગ લગાડી ભાગી ગયો હતો. શેરીમાં રહેતા પરષોત્તમભાઈએ ડેલી ખખડાવતા યુવાનના દાદી જાગી ગયા હતા અને દરવાજો ખોલતા પાર્ક પરસોત્તમભાઈએ કહ્યું હતું કે, તમારા વાહન સળગે છે બાદમાં પરિવારના સભ્યોએ સળગતા વાહન પર પાણી નાખી આગ ઓલવી નાખી હતી. આગમાં જયુપીટર સળગીને ખાખ થઈ ગયું હતું. જ્યારે અન્ય વાહનમાં પણ નુકસાન થયું હતું બંને વાહનમાં મળી અંદાજે રૂપિયા 45,000 નું નુકસાન થયું છે.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેની નાની બહેન હેમાંશી પારસને સ્કૂલમાં ભણતી ત્યારથી ઓળખે છે અને તેણે તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં તકલીફ હોવાથી પારસ પરમાર વિરુદ્ધ અરજી આપી હતી. જે અરજીનો ખાર રાખી આ પારસ પરમારે બંને વાહનોમાં આગ લગાડી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application