SBI બેંક રોડ પર સાડીના કારખાનામાં ભીષણ આગ લાગતા બે મજૂરો દાઝ્યા
SBI બેંક રોડ પર સાડીના કારખાનામાં ભીષણ આગ લાગતા બે મજૂરો દાઝ્યા
August 28, 2026 10:54 AM
જેતપુર શહેરના નવાગઢ SBI બેંક રોડ પર આવેલા એક સાડીના કારખાનામાં વેલ્ડિંગના કામ દરમિયાન અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારખાનામાં કામ કરતા બે મજૂરો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. શહેરના નવાગઢ SBI બેંક રોડ પર આવેલ પ્રકાશ પ્રિન્ટ નામના સાડીના કારખાનાના બીજા માળે અચાનક આગ લાગી હતી. કારખાનું ચલાવનાર માલિક સંદીપ ગુપ્તાના જણાવ્યા અનુસાર, બીજા માળે વેલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન તણખા ઉડવાના કારણે નજીકમાં પડેલા સાડીના જથ્થામાં અચાનક આગ પકડા ગઈ હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા માળને લપેટમાં લઈ લીધો હતો. આગની આ ઘટનામાં કારખાનામાં હાજર બે મજૂરો આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં એક વ્યક્તિને હાથે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મજૂરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે બીજા માળે રાખવામાં આવેલો સાડીઓનો મોટો જથ્થો, પ્રોસેસિંગ માટેના ટેબલો તેમજ અન્ય સાધન-સામગ્રી બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના સ્થાનિકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાનો ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, ૩ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ફોટો તસ્વીર હિતેષ સાવલીયા જેતપુર