BREAKING NEWS

મંગળવારની રાત અમંગળ બની...ટ્રકની જોરદાર ટક્કરથી કાર પડીકું, બે યુવકના ઘટનાસ્થળે જ મોત, એક ગંભીર

  • December 24, 2025 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઢડા નજીક ગઈકાલે મંગળવારની રાતે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે સ્વીફ્ટ કારને જોરદાર ટક્કર મારતા કાર પડીકું વળી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બે યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. 


મધરાતે ગમખ્વાર અકસ્માતની ઘટના બની

મળતી માહિતી મુજબ, ગઢડા તાલુકાના ઢસા-અમદાવાદ રોડ પર ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સ્વિફ્ટ કારને વચ્ચોવચ અડફેટે લેતાં કારમાં સવાર અમદાવાદના બે યુવકનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કાર પડીકું વળી ગઈ હતી, જ્યારે કારમાં સવાર એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મધરાતે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. 


મૃતકો અને ઈજાગ્રસ્તના નામ

મૃતકોમાં હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઇ ઠક્કર (ઉં.વ.37, રહે-એ/501, રાધે હાઇટસ હાથીજણ ચાર રસ્તા, અમદાવાદ) અને જિમિતભાઇ ભરતભાઇ રાજાણી (ઉં.વ.39, રહે-સેક્ટર-7 સનસિટી સાઉથ બોપલ, અમદાવાદ)નો સમાવેશ થાય છે. જ્યારે પુનિત ધર્મેશભાઈ ઠક્કર (રહે.અમદાવાદ)ને ગંભીર ઈજા પહોંચી છે.


અકસ્માતથી પ્રચંડ અવાજ દૂર સુધી સંભળાયો

સ્વિફ્ટ કારમાં ત્રણ યુવક સવાર થઈને ઢસાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઢસા નજીક ગઢડા રોડ પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરને કારણે કાર વચ્ચેથી પડીકું વળી ગઈ હતી અને એમાં સવાર યુવકો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.


પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી મૃતદેહો બહાર કાઢ્યા

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કારમાં સવાર ત્રણ પૈકી બે યુવકોએ ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ઢસાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application