ઓપરેશન સિંદુર વખતે પાકને મદદ કરનાર તુર્કીયેને હવે બ્રિટન 20 નવા યુરોફાઇટર ટાયફૂન આપશે
યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર તાજેતરમાં જ એક મોટા અધિકારીઓના ગ્રુપ સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન, બંને દેશોએ 38 અબજથી વધુના સોદા કર્યા હતા. આ કરારો 9 ઓક્ટોબરના રોજ થયા હતા, અને 18 દિવસ પછી, 27 ઓક્ટોબરના રોજ, સ્ટારમરે તુર્કી સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ તુર્કીને બ્રિટન તરફથી 20 નવા યુરોફાઇટર ટાયફૂન મળશે. આ સોદો 10.7 બિલિયન ડોલરનો છે.આ સોદાઓ નાટો સાથી દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવશે અને તુર્કીના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવશે,અંકારાએ જણાવ્યું છે કે તે ગલ્ફ દેશોમાંથી 24 વધુ જેટ માંગી રહ્યું છે. કીર સ્ટારમરની તુર્કીની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આ મહત્વપૂર્ણ કરાર થયો હતો. વડા પ્રધાન તરીકેની તેમની પહેલી મુલાકાત દરમિયાન, સ્ટાર્મરે રાષ્ટ્રપતિ એર્ડોગન સાથે મુલાકાત કરી અને સોદા પર હસ્તાક્ષર કર્યા.જેના પરથી યુકેના પીએમની બેવડી નીતિનો પર્દાફાશ થયો છે.
આ સોદામાં યુકેનો સ્વાર્થ શો છે?
કેટલાક વિશ્લેષકોએ આ સોદો મોંઘો ગણાવ્યો છે. આ એવા સમયે થયો છે જ્યારે તુર્કી ઇઝરાયલ જેવા પ્રાદેશિક હરીફો સાથે સ્પર્ધા કરવા માટે અદ્યતન ફાઇટર જેટનો ઉપયોગ કરવા માંગે છે. યુરોપ તેના પૂર્વીય ભાગને મજબૂત બનાવવા માટે નાટોના બીજા ક્રમના લશ્કર અને સશસ્ત્ર ડ્રોનના મુખ્ય નિકાસકાર તુર્કી તરફ વળ્યું છે.લંડને જણાવ્યું હતું કે અંકારાને 2030 માં 20 ટાયફૂનના કન્સાઇનમેન્ટનો પહેલો જથ્થો મળશે. સ્ટારમેરે જણાવ્યું હતું કે આ સોદા માટે વાટાઘાટો 2023માં શરૂ થઈ હતી. ઇસ્તંબુલ સ્થિત સુરક્ષા અને સંરક્ષણ વિશ્લેષક બુરાક યિલ્દિરીમે આ સોદાને મોંઘો ગણાવ્યો હતો.
ઓપરેશન સિંદૂર વખતે તુર્કીનો સાચો ચહેરો બહાર આવ્યો હતો
તુર્કી એક એવો દેશ છે જેના ભારત સાથેના સંબંધો અસ્થિર રહ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તુર્કીએ પાકિસ્તાનને મદદ કરવા માટે કરાચી બંદર પર પોતાનું યુદ્ધ જહાજ મોકલ્યું હતું. ત્યારથી, ભારતીય નૌકાદળ તુર્કી સામે સતત આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે. તાજેતરમાં, ભારતીય નૌકાદળે તુર્કીના પડોશી દેશો સાથે કવાયત હાથ ધરી હતી. હકીકતમાં, ભારત તુર્કીના ત્રણ પડોશી દેશો ગ્રીસ, સાયપ્રસ અને આર્મેનિયા સાથે લશ્કરી સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે, જેમના તુર્કી સાથે સતત વિવાદો ચાલી રહ્યા છે. ભારતની આક્રમકતા તુર્કીને પાઠ ભણાવી રહ્યું હોય તેવું લાગે છે.
સ્ટારમરનો બેવડી નીતિ
એ વાત સાચી છે કે આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં, કોઈ પણ કોઈનું નથી. બધા સંબંધો સ્વાર્થ માટે કેળવવામાં આવે છે. યુકે પણ આવું જ કરી રહ્યું છે. તે ભારત સાથે સોદા કરી રહ્યું છે અને તેના દુશ્મન સાથે પણ સમાધાન કરી રહ્યું છે. જ્યારે સ્ટારમર ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ 100 થી વધુ લોકોની ટીમ લઈને આવ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન 3884 કરોડ (આશરે 3.8 બિલિયન ડોલર )નો સોદો થયો હતો. આ કરાર હેઠળ, બ્રિટન ભારતીય સેનાને હળવા વજનની મલ્ટી-રોલ મિસાઇલો પૂરી પાડશે. આ મિસાઇલો ફ્રેન્ચ કંપની થેલ્સ દ્વારા બનાવવામાં આવશે.આ મિસાઇલોનું ઉત્પાદન ઉત્તરી આયર્લેન્ડમાં થેલ્સના પ્લાન્ટમાં કરવામાં આવશે. કેટલાક બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સોદો યુક્રેનને શસ્ત્રો પૂરા પાડતા સમાન પ્લાન્ટમાં હાલમાં કાર્યરત આશરે 700 બ્રિટિશ નોકરીઓને સુરક્ષિત કરશે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું ભારત-યુકે કોમ્પ્લેક્સ વેપન્સ પાર્ટનરશિપમાં એક મહત્વપૂર્ણ સફળતા છે, જેની ચર્ચા બંને દેશો લાંબા સમયથી કરી રહ્યા હતા.