ઓગસ્ટ મહિના દરમિયાન દેશમાં રક્ષાબંધન સહિતના તહેવારોની ઉજવણી વચ્ચે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા નાણાકીય લેવડદેવડમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં UPI દ્વારા કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય 29.82 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે રેકોર્ડ સ્તરની ખૂબ જ નજીક છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં આ આંકડો 24.85 લાખ કરોડ રૂપિયા હતો, એટલે કે તેમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો મોટો વધારો નોંધાયો છે.
મંગળવારે જારી કરાયેલા આંકડા મુજબ, ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા વધીને 2451 કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ છે, જે જુલાઈ મહિનાના 2366 કરોડથી નોંધપાત્ર રીતે વધુ છે. આ અગાઉ જૂન મહિનામાં 2272 કરોડ અને મે મહિનામાં 2320 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે, કારણ કે ગયા વર્ષના ઓગસ્ટમાં આ આંકડો 1963 કરોડ હતો. નોંધનીય છે કે આ અગાઉ મે અને જુલાઈ 2026 માં પણ UPI ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 29.9 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં રક્ષાબંધન જેવા તહેવારો હોવાના કારણે નાના મૂલ્યના ભેટ-સોગાદોની લેવડદેવડ અને વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફરમાં ભારે ઝડપ આવી હતી. કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક રિજુ દત્તાએ જણાવ્યું કે છેલ્લા 3 મહિનામાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને મૂલ્યમાં સતત મજબૂતી જોવા મળી રહી છે, જે ભારતમાં UPI ની સતત વધી રહેલી પહોંચ અને દૈનિક ઉપયોગમાં તેની વ્યાપક સ્વીકૃતિ દર્શાવે છે.
વૈશ્વિક સ્તરે પણ UPI નો ડંકો વાગી રહ્યો છે. હાલમાં વિશ્વના 11 દેશોમાં UPI સ્વીકારવામાં આવી રહ્યું છે, જેમાં તાજેતરમાં ઉઝબેકિસ્તાન ઉમેરાયું છે. આ સિવાય સિંગાપુર, યુએઈ, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભુતાન, કતર, શ્રીલંકા, કમ્બોડિયા અને ગ્રીસ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. 25 ઓગસ્ટ 2016 ના રોજ શરૂ થયેલી UPI સેવાએ દેશના ડિજિટલ પેમેન્ટ લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. નાણાકીય વર્ષ 2016-17 માં જે ટ્રાન્ઝેક્શન મૂલ્ય માત્ર 0.07 લાખ કરોડ રૂપિયા હતું, તે નાણાકીય વર્ષ 2025-26 માં વધીને આશરે 314 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે 1 દાયકામાં 4000 ગણાથી વધુના ભવ્ય ગ્રોથને દર્શાવે છે.