BREAKING NEWS

અમેરિકા-ઈરાન શાંતિ કરાર જોખમમાં: ઈરાને 3 જ દિવસમાં હોર્મુઝની ખાડી ફરી કરી બંધ; ઇઝરાયેલ પર સીધા હુમલાની આપી ધમકી

  • June 20, 2026 09:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારના માત્ર ત્રણ જ દિવસમાં વૈશ્વિક રાજનીતિ અને ઉર્જા બજારને હચમચાવી દેનારા માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાને ફરી એકવાર દુનિયાની આર્થિક જીવાદોરી ગણાતી ‘હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz) ને સંપૂર્ણપણે બંધ કરીને તેના પર તાળા મારી દીધા છે.


ઈરાનની સૈન્ય પાંખ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નેવીએ આંતરરાષ્ટ્રીય જહાજોને કડક ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ હોર્મુઝની ખાડી નજીક આવવાની કોશિશ કરશે તો તેના પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ જોખમમાં મુકાઈ જશે. પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના ભડકા અને ભારત સહિત સમગ્ર વિશ્વ પર ઘેરાયેલા ઉર્જા સંકટ અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


આ અગાઉ બુધવારે જ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી (MoU) માં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લેબનાન સહિતના તમામ મોરચે યુદ્ધ અને હુમલા તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. આ શાંતિ વાર્તાના આધારે જ હોર્મુઝનો દરિયાઈ માર્ગ ખોલવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ, આ વચનોનું પાલન ન થતાં ઈરાને આ આકરો નિર્ણય લીધો છે.


શા માટે ઈરાને લીધું આ આકરું પગલું?
ઈરાનની IRGC નેવીએ હોર્મુઝની ખાડી બંધ કરવા પાછળનું મુખ્ય કારણ ઇઝરાયેલની દગાબાજી અને અમેરિકાની નિષ્ફળતા ગણાવી છે. ઈરાનનો આક્ષેપ છે કે અમેરિકાએ ગેરંટી આપી હતી કે કરાર બાદ ઇઝરાયેલ લેબનાન પરના તમામ હુમલા રોકી દેશે.


આમ છતાં, ઇઝરાયેલ સતત શાંતિ કરારનું ઉલ્લંઘન કરીને લેબનાન પર બોમ્બમારો કરી રહ્યું છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે જ્યાં સુધી ઇઝરાયેલ લેબનાન પર હુમલા બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝનો આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કાયમી ધોરણે બંધ રહેશે.


આ માત્ર પ્રથમ તબક્કો, હવે સીધા હુમલા થશે: ઈરાનની ચેતવણી
ઈરાની સેનાએ જણાવ્યું છે કે હોર્મુઝની ખાડીને બંધ કરવી એ ઇઝરાયેલ અને અમેરિકાની ઉશ્કેરણી સામે તેમની પ્રતિક્રિયાનો માત્ર 'પહેલો તબક્કો' છે. જો ઇઝરાયેલ પોતાની આક્રમકતા બંધ નહીં કરે, તો ઈરાન આગામી દિવસોમાં વધુ ઘાતક પગલાં ભરી શકે છે. ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે લેબનાનના બચાવમાં તે ટૂંક સમયમાં ઇઝરાયેલ પર સીધા મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો નવો દોર શરૂ કરી શકે છે.


મામલો થાળે પાડવા સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાશે ઇમરજન્સી બેઠક

શાંતિ કરારને તૂટતો બચાવવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી દોડધામ શરૂ થઈ ગઈ છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ જણાવ્યું છે કે તેમનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં સ્વિટ્ઝર્લેન્ડ જશે.


બીજી તરફ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે (JD Vance) પણ પુષ્ટિ કરી છે કે તેઓ આગામી થોડા જ દિવસોમાં ઈરાન સાથે સીધી વાતચીત કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડ રવાના થઈ રહ્યા છે, જેથી ઇઝરાયેલને તેની જવાબદારીઓનું પાલન કરાવીને આ ગંભીર વિવાદનો ઉકેલ લાવી શકાય.


ભારત અને વૈશ્વિક બજાર માટે મોટું સંકટ
હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ ઉર્જા માર્ગોમાંથી એક છે. ખાડી દેશો (મિડલ-ઈસ્ટ) માંથી વિશ્વના મોટાભાગના દેશોમાં જતું કાચું તેલ અને એલએનજી (કુદરતી ગેસ) આ જ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે.

ભારત પણ પોતાની જરૂરિયાતનું આશરે ૪૬ ટકા તેલ અને ગેસ આ જ રસ્તેથી મંગાવે છે. માત્ર ત્રણ દિવસની રાહત બાદ હોર્મુઝ પર ફરીથી ઈરાનનું તાળું વાગી જતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ફરી આસમાને પહોંચવાની અને ભારત સહિત સમગ્ર દુનિયામાં મોંઘવારીનો નવો બ્લાસ્ટ થવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application