વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા પર દેવાનો પહાડ હવે 40 ટ્રિલિયન ડોલર એટલે કે 40 લાખ કરોડ ડોલરને પાર થઈ ગયો છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગના આંકડા મુજબ મંગળવારે અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું 40.047 ટ્રિલિયન ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું. ચોંકાવનારી બાબત એ છે કે જાન્યુઆરી 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારે આ દેવું 19.95 ટ્રિલિયન ડોલર હતું. એટલે કે દસ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં અમેરિકાના દેવામાં 20 ટ્રિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે અને દેવું લગભગ બમણું થઈ ગયું છે.40.047 ટ્રિલિયન ડોલરના કુલ દેવામાંથી 32.266 ટ્રિલિયન ડોલરનું દેવું જાહેર રોકાણકારો પાસે રહેલી ટ્રેઝરી સિક્યોરિટીઝનું છે, જ્યારે 7.782 ટ્રિલિયન ડોલર અમેરિકન સરકારના વિવિધ વિભાગો અને સરકારી ભંડોળ વચ્ચેનું આંતરિક દેવું છે.દેવું વધવાની ઝડપ પણ અમેરિકાની ચિંતા વધારી રહી છે. માત્ર પાંચ મહિના પહેલાં માર્ચમાં અમેરિકાનું દેવું 39 ટ્રિલિયન ડોલરને પાર થયું હતું. તે પહેલાં ઓક્ટોબરમાં 38 ટ્રિલિયન ડોલરનો આંકડો વટાવ્યો હતો. એટલે માત્ર દસ મહિનામાં અમેરિકાએ વધારાના બે ટ્રિલિયન ડોલરનું દેવું ઊભું કર્યું છે.જાન્યુઆરી 2017થી અત્યાર સુધી થયેલા લગભગ 20 ટ્રિલિયન ડોલરના વધારાને માત્ર ટ્રમ્પ સાથે જોડવો યોગ્ય નથી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાનું જાહેર દેવું લગભગ 7.8 ટ્રિલિયન ડોલર વધ્યું હતું. ત્યાર પછી જો બાઇડનના ચાર વર્ષના કાર્યકાળમાં તેમાં વધુ 8.4 ટ્રિલિયન ડોલરનો વધારો થયો. જાન્યુઆરી 2025માં ટ્રમ્પ ફરી પ્રમુખ બન્યા ત્યારથી દેવામાં વધુ લગભગ 3.8 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. આમ ટ્રમ્પના બંને કાર્યકાળના અત્યાર સુધીના સમય દરમિયાન કુલ વધારો લગભગ 11.6 ટ્રિલિયન ડોલરનો રહ્યો છે.કોરોના મહામારી દરમિયાન ટ્રમ્પ અને બાઇડન બંનેના શાસનમાં અર્થતંત્રને બચાવવા માટે મોટા પાયે સરકારી ખર્ચ અને ઉધારી કરવામાં આવી હતી. જોકે કોરોના પછી પણ ખર્ચ અને આવક વચ્ચેનું અંતર ઘટ્યું નથી. સોશિયલ સિક્યોરિટી, મેડિકેર, સંરક્ષણ ખર્ચ અને દેવા પર ચૂકવવાનું વ્યાજ અમેરિકાના બજેટ પર સતત વધતો ભાર મૂકી રહ્યાં છે.અમેરિકાની ગંભીર સમસ્યા હવે માત્ર દેવાના કદની નથી પરંતુ તેના વ્યાજની પણ છે. અમેરિકન સરકાર હાલમાં વર્ષમાં લગભગ 1.1 ટ્રિલિયન ડોલર માત્ર દેવાના વ્યાજ પાછળ ખર્ચી રહી છે. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ દસ મહિનામાં વ્યાજ પાછળનો ખર્ચ મેડિકેરના ખર્ચ કરતાં પણ વધી ગયો અને સોશિયલ સિક્યોરિટી પછી અમેરિકન સરકારના બજેટનો બીજો સૌથી મોટો ખર્ચ બની ગયો છે.જુલાઈ મહિનામાં જ અમેરિકાની સરકારની આવક અને ખર્ચ વચ્ચે 432 અબજ ડોલરની ખાધ નોંધાઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનાની કુલ બજેટ ખાધ અગાઉના આખા નાણાકીય વર્ષ 2025ની ખાધ કરતાં પણ વધી ગઈ છે, જ્યારે નાણાકીય વર્ષ પૂરું થવામાં હજુ બે મહિના બાકી છે.અમેરિકાના નાણાકીય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે દેવું આ જ ઝડપે વધતું રહ્યું તો તેનો બોજ સામાન્ય અમેરિકન નાગરિક સુધી પહોંચશે. વધારે સરકારી ઉધારીને કારણે લાંબા ગાળાના વ્યાજદર ઊંચા રહી શકે છે, જેના કારણે ઘર માટેની મોર્ટગેજ લોન, કાર લોન અને બિઝનેસ લોન મોંઘી થઈ શકે છે. સરકારના બજેટનો મોટો હિસ્સો માત્ર વ્યાજમાં જવા લાગે તો અન્ય વિકાસ ખર્ચ માટે ઉપલબ્ધ નાણાં પણ ઘટે છે.ટ્રમ્પ સરકારે સરકારી ખર્ચમાં બગાડ, ભ્રષ્ટાચાર અને બિનજરૂરી ખર્ચ ઘટાડીને દેવું અને જીડીપીનો ગુણોત્તર નીચે લાવવાનો દાવો કર્યો છે. બીજી તરફ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પસાર થયેલા ‘વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટ’ને કારણે આગામી વર્ષોમાં અમેરિકાના દેવામાં વધુ લગભગ 4.7 ટ્રિલિયન ડોલર ઉમેરાઈ શકે છે એવો કોંગ્રેસનલ બજેટ ઓફિસનો અંદાજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application