BREAKING NEWS

યુક્રેને રશિયાના એરફિલ્ડ પર મિસાઈલ હુમલો કર્યો: 6 એસયુ-34એમ ફાઈટર જેટ નષ્ટ કર્યાનો દાવો

  • October 15, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનની નૌકાદળે ગુરુવારે એક મોટો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે. યુક્રેની નૌસેનાના જણાવ્યા અનુસાર તેમણે રશિયાના વોરોનેઝ વિસ્તારમાં આવેલા બોરીસોગલેબસ્ક એરફિલ્ડ પર રાતોરાત એક મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલામાં રશિયાના 6 અત્યાધુનિક એસયુ-34એમ (Su-34M) સૈન્ય વિમાનો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન બંને દેશો તરફથી એકબીજાના ઊર્જા માળખાં અને જહાજો પર સતત જવાબી હુમલાઓ ચાલુ રહ્યા છે.


અંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ યુક્રેનિયન નૌકાદળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ સચોટ હુમલા માટે તેમણે પોતાની સ્વદેશી 'નેપ્ચ્યુન કોસ્ટલ મિસાઈલ સિસ્ટમ'નો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ રશિયાના રિયાઝાન વિસ્તારના પ્રાદેશિક ગવર્નર પાવેલ માલ્કોવે માહિતી આપી હતી કે દિવસ દરમિયાન યુક્રેનના એક ડ્રોન હુમલાને કારણે રિયાઝાન સ્થિત એક મોટી ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી.


ગવર્નર માલ્કોવે જણાવ્યું હતું કે હુમલાથી થયેલા નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે સતત રાહત કામગીરી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનને પણ નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે રશિયાની પ્રમુખ તેલ કંપની 'રોસનેફ્ટ'ની માલિકી ધરાવતી રિયાઝાન રિફાઈનરી રાજધાની મોસ્કોને ઈંધણનો મોટો પુરવઠો પૂરો પાડે છે અને તે રશિયાની કુલ તેલ-શુદ્ધિકરણ ક્ષમતાનો અંદાજે 5 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ રિફાઈનરીને અનેકવાર ડ્રોન હુમલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી છે.



વધુમાં જણાવ્યા અનુસાર આ મોટા પાયે થયેલા ડ્રોન હુમલાઓને કારણે રશિયાના બે જિલ્લાઓમાં શાળાઓ અને બાલમંદિરોમાં વર્ગો રદ કરવાની નોબત આવી હતી. તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે રશિયા અને યુક્રેન ઊર્જા ક્ષેત્રો પર હુમલા ન કરવા માટે સંઘર્ષ વિરામ (સીઝફાયર) પર સહમત થયા છે. જોકે, બંનેમાંથી કોઈ પણ દેશે આ સીઝફાયરની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને બંને પક્ષો વચ્ચે હુમલાઓ સતત ચાલુ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application