હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા ઉમંગ ભુત સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને સુરત જેલહવાલે કર્યો છે. જ્યારે પોલીસ પર હુમલા સહિતના 20 ગુનામાં સંડોવાયેલા થોરાળા વિસ્તારના શામજી ઉર્ફે સામા સામે પાસાનું વોરંટ ઇશ્યુ થતાં થોરાળા પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને મહેસાણા જેલહવાલે કર્યો છે.
શહેરમાં ગુનાખોરીને અટકાવવા માટે અગાઉ એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલ દ્વારા કુખ્યાત શખસ ઉમંગ ઉર્ફે લાલો ગોવિંદભાઈ ભૂત (ઉ.વ 32 રહે. શિવશક્તિ કોલોની બ્લોક નંબર 111, ભગતસિંહ ગાર્ડન સામે) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. જેથી યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ વી.જી. ડોડીયા તથા ટીમે આરોપી ઉમંગ ભૂતની પાસા હેઠળ અટકાયત કરી તેને સુરતની લોજપર જેલહવાલે કર્યો હતો. ઉમંગ ભૂત સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાયોટ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, ફાયરિંગ,એનડીપીએસ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂ સહિત કુલ પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.
જ્યારે થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી. વાઘેલાએ નવા થોરાળા વિસ્તારમાં ગોકુલપરા શેરી નંબર છ માં રહેતા નામચીન શખસ શામજી ઉર્ફે સામો મકાભાઈ મકવાણા (ઉ.વ 59) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જે દરખાસ્ત પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર લગાવી પાસાનું વોરંટ ઇશ્યૂ કરતા પી.એસ.આઇ.એમ.એસ મહેશ્વરી તથા સ્ટાફે આરોપી શામજી ઉર્ફે સામાની પાસા હેઠળ અટકાયત કરી તેને મહેસાણા જેલહવાલે કર્યો હતો. આરોપી શામજી ઉર્ફે સામા સામે મારામારી, રાયોટ, ધમકી, દારૂ તથા પોલીસ પર હુમલા સહિત કુલ ૨૦ ગુના નોંધાઈ ચૂક્યા છે.