BREAKING NEWS

ઉમરગામના મામલતદારનો ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત, અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા મોટા માથાઓનું દબાણ હોવાનો આક્ષેપ

  • April 14, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર જ્યારે રાત-દિવસ એક કરીને તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે મોડી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા પરિવાર અને સાથી કર્મચારીઓ આઘાતમાં સરી પડ્યા છે. આપઘાત પાછળ અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા મોટા માથાઓનું દબાણ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, મામલતદાર બ્રાહ્મણકાચ્છે ગત રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી પોલીસને સ્થળ પરથી કોઈ સત્તાવાર 'સુસાઈડ નોટ' મળી છે કે કેમ, તે અંગે રહસ્ય અકબંધ છે. પોલીસ હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહી છે.


આ આત્મહત્યા પાછળ ચૂંટણીલક્ષી રાજકીય દબાણ હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરીગામ બેઠક પરથી ફોર્મ ભરનાર એક અપક્ષ ઉમેદવારનું નામાંકન પત્ર (ફોર્મ) કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. કાયદાકીય રીતે ફોર્મમાં કોઈ મોટી ખામી ન હોવાથી મામલતદાર માટે આ નિર્ણય લેવો મુશ્કેલ બન્યો હતો. તેઓ એક તરફ કાયદો અને બીજી તરફ રાજકીય માથાઓના દબાણ વચ્ચે ફસાઈ ગયા હતા.


મામલતદાર કચેરીના અંદરના વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ડી.સી. બ્રાહ્મણકાચ્છને સતત ધમકાવવામાં આવી રહ્યા હતા. જો તેઓ સત્તાધારી પક્ષ કે મોટા નેતાઓના ઈશારે અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ નહીં કરે, તો તેમને નોકરીમાંથી ડિસમિસ કરવાની અથવા ફરજિયાત નિવૃત્તિ લેવડાવવાની ધમકી આપવામાં આવી હતી. એક ઈમાનદાર અધિકારી તરીકે ખોટો નિર્ણય લેવાને બદલે તેમણે જીવનનો અંત લાવવાનું પસંદ કર્યું હોય તેવી પ્રબળ શક્યતા જણાઈ રહી છે.


આ ઘટનાને પગલે હવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. સ્થાનિક લોકો અને અન્ય સરકારી કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે કે મામલતદાર પર દબાણ લાવનારા 'મોટા માથા' કોણ હતા તેની તપાસ થાય. આ માટે તેમના છેલ્લા 48 કલાકના કોલ ડિટેલ્સ, વ્હોટ્સએપ કોલ્સ અને ચેટ્સની બારીકાઈથી તપાસ કરવી જરૂરી છે. જો કોઈ રાજકીય નેતા કે ઉચ્ચ અધિકારીના દબાણને કારણે તેમણે આ પગલું ભર્યું હોય, તો તેમની સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ થવો જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.

આ ઘટનાએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સરકારી અધિકારીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી નિષ્પક્ષતાથી તપાસ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application