BREAKING NEWS

ઇટાલીના આ પ્રખ્યાત બીચ પર છત્રી લગાવવા પર પ્રતિબંધ: તડકામાં શેકાવવા મજબૂર બનશે પ્રવાસીઓ; કટોકટીના કારણે લેવાયો ચોંકાવનારો નિર્ણય

  • June 12, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇટાલીના વિશ્વપ્રસિદ્ધ ટાપુ સાર્દિનિયા (Sardinia) પર આવેલા સુંદર ‘પુન્ટા મોલેન્ટિસ બીચ’ (Punta Molentis Beach) પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત અજીબોગરીબ અને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. પર્યાવરણની સુરક્ષા અને પ્રવાસીઓની સલામતીનો હવાલો આપીને હવે આ દરિયાકિનારે મોટાભાગના લોકો માટે તડકાથી બચવા છત્રી (Beach Umbrella) કે ટેન્ટ લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ નવા કાયદા મુજબ, હવે બીચ પર ૧૦ થી ૬૫ વર્ષની ઉંમર વચ્ચેના સામાન્ય પ્રવાસીઓ પોતાના બચાવ માટે છત્રી ખોલી શકશે નહીં. વહીવટીતંત્રના આ આકરા નિર્ણયથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અજીબોગરીબ નિયમ પાછળનું અસલી કારણ અને તેના વિરોધ અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


દુનિયાભરમાં સામાન્ય રીતે લોકોને સૂર્યના આકરા તડકા અને સ્કીન કેન્સર જેવા જોખમોથી બચવા માટે દરિયાકિનારે છત્રી કે છાંયડાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, ઇટાલીના આ દક્ષિણ તટ પર આ ઉનાળામાં પ્રવાસીઓ માટે તડકાથી બચવું મુશ્કેલ બનશે.


માત્ર બાળકો અને વડીલોને જ મળશે છૂટછાટ
બીચ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલા આદેશ અનુસાર, બીચ પર કોઈપણ પ્રકારની છત્રી, ગેઝેબો, ટેન્ટ અથવા છાંયડો આપતી અન્ય વસ્તુઓ લગાવવાની સખત મનાઈ છે. આ નિયમમાં માત્ર બે જ શ્રેણીને અપવાદરૂપ રાહત આપવામાં આવી છે:

- જે પરિવારોની સાથે ૧૦ વર્ષ સુધીના નાના બાળકો હોય તે એક છત્રી લગાવી શકશે.
- જે પ્રવાસીઓની ઉંમર ૬૫ વર્ષ કે તેથી વધુ હોય, તેઓને પોતાની સુરક્ષા માટે એક છત્રી રાખવાની મંજૂરી મળશે.


શા માટે લેવો પડ્યો આવો આકરો નિર્ણય?
સ્થાનિક નગરપાલિકા અને પ્રશાસનનું કહેવું છે કે આ નિર્ણય પર્યાવરણના સંરક્ષણ અને ઇમરજન્સી મેનેજમેન્ટ માટે લેવાયો છે. ગત વર્ષે આ બીચ પર એક ભયાનક આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. તે સમયે કિનારા પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ ગીચતાપૂર્વક પોતાની છત્રીઓ અને ટેન્ટ ઠેર-ઠેર લગાવી રાખ્યા હતા.


આ આડેધડ લાગેલા ટેન્ટના કારણે રાહત અને બચાવ ટીમોને અંદર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી અને લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. આખરે ઘણા પ્રવાસીઓને દરિયાઈ માર્ગે બોટ (નાવડીઓ) દ્વારા માંડ-માંડ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આવી કટોકટી ફરી ન સર્જાય તે માટે આ કડક પ્રોટોકોલ લાગુ કરાયો છે.


રૂપિયા ચૂકવવા છતાં નિયમોનું પાલન કરવું પડશે
આ નવો નિયમ ૫ જૂનથી શરૂ થઈને ઓક્ટોબર મહિનાના અંત સુધી અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન બીચ પર પ્રવેશવા માટે પ્રવાસીઓએ ૧૦ યુરો (આશરે ₹૯૦૦) ની એન્ટ્રી ફી પણ ચૂકવવી પડશે. જોકે, દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમની સાથે આવતા મદદગારોને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.


નિયમ સામે સોશિયલ મીડિયા પર ઉડી મજાક
વહીવટીતંત્રના આ પગલાની પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા આકરી આલોચના થઈ રહી છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તીખો કટાક્ષ કરતા પૂછ્યું કે, "શું હવે અમારે દરિયાકિનારે તડકાથી બચવા માટે ફરજિયાત માતા-પિતા બનવું પડશે કે પછી ૬૫ વર્ષના થવાની રાહ જોવી પડશે?"

એક પર્યટકે નગરપાલિકાની વેબસાઇટ પર કમેન્ટ કરી કે, “વાહ! કેટલો સુંદર દિવસ છે, બીચ પર એક સરસ દિવસ વિતાવ્યા પછી હવે ચામડી બળી જવાને કારણે હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ૨૦ કલાક વિતાવવા પડશે.”


​​​​​​​ઇટાલીનું કડક બીચ કલ્ચર

અત્રે નોંધનીય છે કે ઇટાલીમાં બીચ કલ્ચર અને તેના નિયમો પહેલેથી જ ખૂબ કડક છે. અહીં દરિયાકિનારે પ્રાઈવેટ બીચ ક્લબોનું વર્ચસ્વ છે, જ્યાં રેતી પર એક જ રંગની છત્રીઓ બિલકુલ સીધી લાઇનમાં ગોઠવાયેલી હોય છે. આ પેઇડ બીચ ક્લબોમાં એક દિવસ માટે ખુરશી અને છત્રી ભાડે રાખવાનો ખર્ચ ૧૦૦ થી ૫૦૦ યુરો (આશરે ₹૯,૦૦૦ થી ₹૪૫,૦૦૦) સુધીનો હોઈ શકે છે. આ ક્લબોમાં પણ ભીડ નિયંત્રિત રાખવા માટે પ્રવાસીઓને પોતાના ખાનગી ટેન્ટ કે ખુરશીઓ વાપરવાની મનાઈ હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News