ભારતીય અંડર-19 ટીમે રવિવારે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનને ૫૮ રને હરાવીને ગૌરવભેર સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાયેલી આ મેચમાં ભારતીય યુવા ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાની ટીમને સ્પર્ધામાંથી બહાર કરી દીધી છે.
વેદાંતની ફિફ્ટી અને કનિષ્કની આક્રમક ગેમ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૫૨ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારતીય ઈનિંગનો મુખ્ય આધાર વેદાંત ત્રિવેદી રહ્યો હતો, જેણે ૬૮ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૨૨ બોલમાં ૩૦ રન ફટકારીને આક્રમક શરૂઆત અપાવી હતી, જોકે કેપ્ટન આયુષ મ્હાત્રે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. અંતિમ ઓવરોમાં કનિષ્ક ચૌહાણ (૩૫ રન) અને ખિલન પટેલે મહત્વની ભાગીદારી કરીને ભારતનો સ્કોર ૨૫૦ને પાર પહોંચાડ્યો હતો.
આયુષ અને ખિલનની ધારદાર બોલિંગ
પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવા માટે માત્ર મેચ જીતવી જ નહીં, પણ ૨૫૩ રનનો લક્ષ્યાંક ૩૩.૩ ઓવરમાં પૂર્ણ કરવાનો હતો. પરંતુ ભારતીય બોલરો સામે પાકિસ્તાની બેટ્સમેનો લાચાર દેખાયા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રે અને ખિલન પટેલ પાકિસ્તાની બેટિંગ લાઈનઅપ માટે કાળ સાબિત થયા હતા. બંનેએ ૩-૩ વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.
પાકિસ્તાની લડત
ઉસ્માન ખાને ૬૬ રન બનાવીને એક છેડો સાચવી રાખ્યો હતો, પરંતુ બીજા છેડેથી સતત વિકેટો પડતી રહી હતી. આખી પાકિસ્તાની ટીમ ૪૬.૨ ઓવરમાં ૧૯૪ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
કનિષ્ક ચૌહાણ મેચનો અસલી હીરો
ભારતીય ટીમની આ મોટી જીતમાં કનિષ્ક ચૌહાણનો ઓલરાઉન્ડ દેખાવ સૌથી મહત્વનો રહ્યો હતો, જેના કારણે તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે મુશ્કેલ સમયે માત્ર ૨૯ બોલમાં ૩૫ રન ફટકારીને સ્કોરને ૨૫૨ સુધી લઈ ગયા. બોલિંગની વાત કરીએ તો ૧૦ ઓવરના સ્પેલમાં માત્ર ૩૦ રન આપીને પાકિસ્તાની વિકેટકીપર હમઝા ઝુહૂર (૪૨ રન) ની કિંમતી વિકેટ ઝડપી હતી.