યુનિફોર્મ સિવિલ કોડ: જાગ્યા ત્યાંથી સવાર માનવી જોઈએ

  • July 07, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તુંનાનો, હું મોટો, એવો જગતનો ખ્યાલ ખોટો, આ નાનો, આ મોટો એવો મૂરખ કરતા ગોટો... પ્રેમશંકર નરભેરામ ભટ્ટની આ અમૃતવાણી આજના સમયમાં પણ એટલી જ લાગુ પડે છે જે અગાઉ ચોક્કસ હેતુસર લખાઈ હતી. અત્યારે હું ઊંચ, તું નીચ, હું સવર્ણ, તું પછાત, હું હિન્દુ, તું મુસલમાન, હું લઘુમતિ તું બહુમતિ, હું ફલાણો તું ઢીંકણો....એવી માનસિકતા એટલી હદે વધી ગઈ છે કે વર્ગવિગ્રહ ચાલી રહ્યો હોય તેવું લાગ્યા કરે. અહી વાત બધાની સમાનતાની કરવાની છે. અત્યારે દેશમાં રાજ્યે રાજ્યે, કોમે કોમે જુદા કાયદા છે.


આપણા દેશમાં જમીનના ખરીદ-વેચાણ, ભાડૂઆત અને અન્ય સિવિલ બાબતોમાં આઝાદી પહેલાં જે કાયદો લાગુ હતો તે આજે પણ છે પરંતુ લગ્ન, ઉત્તરાધિકાર, ઇચ્છા, દત્તક જેવી બાબતોમાં અલગ-અલગ સંપ્રદાયો માટે અલગ-અલગ કાયદાઓ બન્યા છે. બંધારણના ઘડવૈયાઓને સમજાયું હતું કે લગ્ન અને ભરણપોષણ સંબંધિત બાબતો કોઈપણ પ્રકારની પૂજા સાથે સંબંધિત નથી, પરંતુ માનવતા સાથે સંબંધિત છે. જો નિ:સંતાન વ્યક્તિ પોતાની પારિવારિક પરંપરાને આગળ ધપાવવા બાળકને દત્તક લેવા માંગતી હોય અથવા તેને સલામતીની લાગણી અનુભવાતી હોય તો તે કોઈપણ પૂજા પ્રથાનો તિરસ્કાર કેવી રીતે કરી શકે? જો કોઈ કાયદો સ્ત્રીને સામાજિક સુરક્ષા આપતો હોય કે પતિથી છૂટા પડ્યા પછી કે પતિની નારાજગી પછી ઘરે-ઘરે ભટકવાને બદલે તેના માટે ભરણપોષણની વ્યવસ્થા કરતો હોય તો તેમાં ધર્મ ક્યાંથી આવે છે? જો સ્ત્રી-પુરુષના વૈવાહિક સંબંધોમાં સમાનતા સુનિશ્ચિત કરવામાં આવે તો તે કોઈ પણ સંસ્કારી સમાજ માટે શરમજનક નહીં, પણ ગૌરવની વાત હોવી જોઈએ. આ વિચારમાંથી સમાન નાગરિક ધારા નો વિચાર જન્મ્યો છે.


આ એક સળગતો મુદ્દો છે કેમ કે મતબેન્કના રાજકારણ સાથે જોડાયેલો છે. મુસલમાનોને ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ આવે એ પસંદ નથી તેથી કહેવાતા સેક્યુલરો પણ ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરે છે. આ કારણે જ ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કોઈ પણ કરે એટલે બબાલ શરૂ થઈ જાય છે ને સેક્યુલારિઝમના ઠેકેદારો મેદાનમાં આવી જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તરફેણ કરીને સવાલ કર્યો કે, જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય તો શું ઘર ચાલી શકશે? તો પછી આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલી શકે? મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમ વિરોધી છે એવો કુપ્રચાર કરીને આ મુદ્દાને ભડકાવવાનો વિપક્ષો પર આક્ષેપ કર્યો.
મોદીએ એમ પણ કહ્યું કે, ભારતના મુસ્લિમ ભાઈ-બહેનોએ સમજવું પડશે કે, ક્યા રાજકીય પક્ષો તેમને ભડકાવીને રાજકીય લાભ લઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે કહી રહી છે ત્યારે કોણ તેનો વિરોધ કરી રહ્યું છે ને શા માટે કરી રહ્યું છે એ મુસ્લિમોએ સમજવું પડશે.


મોદીએ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી તેમાં તો વિપક્ષો ઊંચાનીચા થઈ ગયા છે ને મોદી ભાગલા પાડવાનું રાજકારણ રમી રહ્યા હોવાના આક્ષેપો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, મોદી તમામ મોરચે તેમની સરકારની નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દાની પારાયણ માંડીને બેસી ગયા છે. લોકોની સળગતી સમસ્યાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે મોદી આ વાતો કરી રહ્યા છે.
કેટલાક વિપક્ષોએ તો આ મુદ્દાને મણિપુરની હિંસા સાથે જોડીને આક્ષેપ કર્યો છે કે, મણિપુર ૬૦ દિવસથી સળગી રહ્યું છે પણ મોદીએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ છે અને આ મુદ્દાઓ પર પણ મોદી મૌન છે. મોદી આ દેશની વાસ્તવિક સમસ્યાઓ અંગે જવાબ આપવાથી અને પોતાની સરકારની નિષ્ફળતાઓથી ભાગી જવા માટે આ મુદ્દો ઉઠાવીને બેસી ગયા છે.


ડીએમકેએ તો વળી નવો જ રાગ છેડીને કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ પહેલાં હિંદુ ધર્મમાં લાગુ થવો જોઈએ. દલિત, આદિવાસી, સવર્ણ સહિતના તમામ હિંદુઓને ભારતના કોઈપણ મંદિરમાં પૂજા કરવાની છૂટ હોવી જોઈએ. તેથી પહેલાં હિંદુ ધર્મમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવો જોઈએ. ડાબેરીઓનું કહેવું છે કે, કાયદા પંચે કહેલું કે યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે જરૂરી પણ નથી ને ઈચ્છનિય પણ નથી. આ વાત સાથે અમે સહમત છીએ.
બીજા બધા પક્ષોએ પણ પોતપોતાની મતબેન્ક પ્રમાણે જવાબ આપ્યા છે ને બધાં વિપક્ષોની વાતનો સૂર એક જ છે કે, મોદી સરકાર રાજકીય ફાયદા માટે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ઊઠાવે છે. આ વાત ખોટી પણ નથી ને ભાજપ એ છૂપાવતો પણ નથી. દેશમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ભાજપના મુખ્ય મુદ્દાઓમાંથી એક છે ને ભાજપ વરસોથી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તરફેણ કરે જ છે. તેની પાછળ રાજકીય ફાયદાની ગણતરી તો હોય જ કેમ કે કોઈ પણ રાજકીય પક્ષ રાજકીય ફાયદા માટે જ કોઈ પણ મુદ્દો ઉઠાવતો હોય છે. ભાજપ પણ એ કરે તેમાં કશું ખોટું નથી.


અલબત્ત ભાજપ એ રીતે વાંકમાં કહેવાય કે, કેન્દ્રમાં નવ વરસથી તેની સરકાર છે પણ આ નવ વરસમાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે કશું નક્કર કર્યું નથી. આપણા બંધારણમાં કલમ ૧૪ હેઠળ સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. ભારતના બંધારણમાં સમાનતા એક અધિકાર મૂળભૂત અધિકાર છે. બંધારણની કલમ ૧૪ દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકારોની ખાતરી આપે છે. તેના આધારે કલમ ૪૪ હેઠળ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલની તરફેણ કરાઈ છે.દેશના તમામ નાગરિકો માટે એકસરખા પર્સનલ લો હોવા જોઈએ. આ બંધારણનો માર્ગદર્શક સિદ્ધાંત છે પણ તેનો અમલ કદી ના થયો. તેનું કારણ અલગ અલગ પર્સનલ લો છે. તેમાં સૌથી મોટો અવરોધ મુસ્લિમ પર્સનલ લો છે.કોંગ્રેસ તો મુસ્લિમ તુષ્ટિકરણમાં માને છે તેથી એ તો કદી યુનિફોર્મ સિવિલ કોડ લાવે એ શક્ય ન હતું.ભાજપે પણ એ દિશામાં પ્રયત્ન કર્યા નથી પણ મોદી સરકારે હવે યુનિફોર્મ સિવિલ કોડના અમલમાં જાગ્યા ત્યારથી સવાર એવું માનીએ તૈયારી શરૂ કરી છે એવું લાગે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application