મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ખેડૂતોએ શનિવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ મુંડન કરાવી બેસણું ગોઠવી અનોખો વિરોધ કર્યો હતો. બેસણામાં ખેડૂતોએ પોક મુકી હતી.
ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે, ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવા માટે પૂરતું વળતર આપવામાં આવતું નથી. કંપની દ્વારા હાલમાં જે વળતર ઓફર કરવામાં આવી રહ્યું છે તે ખૂબ ઓછું હોવાથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે.
મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરીનો વિરોધ ચાલી રહ્યો છે. જેતપર ગામે ગુરુવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. શુક્રવારે ગામના 15થી વધુ ખેડૂતોએ મુંડન કરાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હાલમાં ત્રણ મહિલા સહિત કુલ નવ વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
શનિવારે રાત્રે યોજાયેલા બેસણા અને મોકાણના કાર્યક્રમમાં મોરબી તાલુકા ઉપરાંત જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ જેતપર ગામના ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલી લડતને તન, મન અને ધનથી ટેકો આપવાની જાહેરાત કરી હતી.
ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમને પહેલા પૂરું વળતર આપવામાં આવે અને ત્યાર બાદ જ વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરવામાં આવે. ખેડૂતો તેમની આ માંગણી પર મક્કમ છે અને જ્યાં સુધી તેમની માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.