BREAKING NEWS

યુનિવર્સિટી રોડના રવિ રત્ન પાર્કમાં સડેલા ડ્રાયફ્રૂટ્સનું પ્રોસેસિંગ કરતું યુનિટ ઝડપાયું

  • October 18, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં અગાઉ નકલી ડ્રાયફ્રુટ્સનું વેંચાણ થતા ઝડપાઈ ચૂક્યું છે પરંતુ હવે સડેલા અને વાસી ડ્રાયફ્રૂટ્સનું કટીંગ કરીને પ્રોસેસિંગ કરતું યુનિટ ઝડપાયું છે. વાસી, સડેલા, કાણા પડી ગયેલા અને દુર્ગંધ મારતા ડ્રાયફ્રૂટ્સનું કટિંગ કરીને પ્રોસેસિંગ કરતું યુનિટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપરના પોશ વિસ્તાર રવિ રત્ન પાર્કમાંથી ઝડપાયું છે. મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે દરોડા કાર્યવાહી હાથ ધરીને ગોકુલ એન્ટરપ્રાઈઝ પેઢીમાંથી ૩૨૫ કિલો ડ્રાયફ્રુટસનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપર જ તેનો નાશ કર્યો હતો. આવો પ્રોસેસ કરેલો જથ્થો મીઠાઈ, કોલ્ડડ્રિંક્સ તેમજ ગિફ્ટ બોક્સ વિગેરેમાં ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું છે.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે,દિવાળી તથા નુતન વર્ષના તહેવારો નિમિત્તે ડ્રાયફ્રુટ તથા તેમાંથી બનતી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં વેચાણ તથા ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રાયફ્રુટ અંગેના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ શરૂ કર્યું હતું જે અંતર્ગત યુનિવર્સિટી રોડ ઉપર રવિરત્ન પાર્ક ચોક પાસે, રવિરત્ન સોસાયટી શેરી નં.૨ કોર્નર, બ્લોક નં, ઇ-૨૭૦, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે આવેલ ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી પેઢી ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીની તપાસ કરવામાં આવી હતી. પેઢીની તપાસ દરમિયાન સ્થળ પર મશીન પર બદામ(ડ્રાયફ્રુટ)નું કટિંગ પ્રોસેસિંગ કરતાં જોવા મળેલ જે બદામ (ડ્રાયફ્રુટ)નો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સડેલો (કાણાવાળા), ડેમજ થયેલો તેમજ ખોરા થયેલો માલૂમ પડ્યો હતો તેમજ સ્થળ ઉપર સંગ્રહ કરેલો બોરીઓમાં રહેલ કુલ આશરે ૩૨૫ કિલો બદામ જેની અંદાજીત કિમત રૂ.બે લાખ થાય તે જથ્થો તપાસતા સડેલો, ખોરો તથા માનવ આહાર માટે અયોગ્ય હોવાનું હાજર ફૂડ બિઝનેસ ઓપરેટરે સ્વીકાર્યું પણ હતું. તદન બિન આરોગ્યપ્રદ, અખાદ્ય બદામનો જથ્થો માનવ આહાર માટે ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનમાં સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા ઉત્પાદક તરીકે લાયસન્સ લેવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application