આજે સવારે જામનગરમાં લગભગ એક સપ્તાહ બાદ સુર્યનારાયણના દર્શન થયા હતાં અને એક રીતે એવું પણ કહી શકાય કે, માવઠાના અંતનો સુર્યોદય થયો છે, કારણ કે આઇએમડીની સેટેલાઇટ ઇમેજ પરથી જોવા મળે છે કે, ગુજરાત પરથી વરસાદી વાદળોની મોટી સિસ્ટમ હાલ ખસતી દેખાય છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રશન ગુજરાત તરફ વળ્યું હોવાના કારણે માવઠું પડવાના સંજોગો અને ખતરો યથાવત છે, બીજી બાજુ જતાં-જતાં પણ હાલારમાં મેઘાએ ટવેન્ટી ક્રિકેટની છેલ્લી ઓવરની જેમ સટાસટી કરી છે અને હાલારના તમામ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં પોણા ઇંચથી લઇને અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે મોલને વધુ નુકશાન પહોંચ્યું છે. તાપમાનનો પારો પણ નીચે રહ્યો છે.
ગઇકાલ સુધી હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદથી રાહત મળવાની સંભાવતા હતી, પરંતુ ગઇ રાત્રે ફરી એક વખત વરસાદનું અણધાર્યુ આગમન થયું હતું, જામનગર શહેરમાં ધીમી ધારે લગભગ રાત આખી કટકે-કટકે માવઠુ પડયું હતું, તો બીજી તરફ જામજોધપુર, લાલપુર, ધ્રોલમાં પણ વરસાદ નોંધાયો હતો. દેવભુમિ દ્વારકાના ત્રણ તાલુકાઓમાં માવઠુ પડયું છે.
દેવભૂમિના ભાણવડમાં સૌથી વધુ ૩૮ મીમી, ખંભાળીયામાં ૩૦ જયારે કલ્યાણપુરમાં ૧૮ મીમી કમોસમી વરસાદ પડયો છે, કાલાવડમાં બે ઇંચ, જામનગર શહેરમાં એક ઇંચ અને લાલપુર, જામજોધપુર, ધ્રોલમાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે, કેટલાક ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે લઘુતમ તાપમાન ૨૧.૮ ડીગ્રી, મહત્તમ ૨૮.૫, ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને પવનની ગતિ ગઇકાલથી ઘટીને પ્રતિકલાક ૮.૬ કિ.મી. નોંધાઇ છે.
ગઇકાલ સાંજ સુધી વાદળો છવાયેલા હતાં, પરંતુ માવઠાની સંભાવનાઓ ઘટી હતી અને ફરી એક વખત અણધાર્યો વળાંક આવ્યો હતો, રાત્રે પુન: કમોસમી વરસાદ ખાબકતા જામનગર શહેરમાં સુપરમાર્કેટ, બેડીનાકા, કાલાવડ નાકા બહાર, ખાંચીની ખડકી વિસ્તાર, પટણીવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા જેવી સ્થિતિએ પણ નિર્માણ લીધું હતું.
આજે સવારે આઇએમડીની સેટેલાઇટ ઇમેજ પર નજર કરવામાં આવતા ગુજરાત પરથી કમોસમી વરસાદી વાદળોની જે મોટી સિસ્ટમ હતી તે ઘણી બધી દુર થતી દેખાઇ છે અને એવી આશા છે કે કદાચ જેમ-જેમ કલાકો વિતશે તેમ-તેમ હાલારના આકાશ પરથી માવઠાની આફતના વાદળો ખસી શકે છે.