BREAKING NEWS

સાવધાન...જગ અને કેરબામાં વેંચાતા પાણીમાં બેફામ બેક્ટેરિયા: રાજકોટમાં 55 યુનિટ સીલ, નામ છુપાવ્યા

  • February 12, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી ટાઈફોઈડ અને કોલેરા ના કેસો મળતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બોટલ, જગ અને કરવામાં વેંચાતા પાણીના સેમ્પલ લેવા આદેશ કરાયો હતો જે અન્વયે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ૯૧ વોટર પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાયા હતા જેમાંથી પંચાવન પ્લાન્ટના પાણીના સેમ્પલ માં બેફામ હદે બેક્ટેરિયાનું પ્રમાણ જોવા મળતા તમામ પ્લાન્ટ સીલ કરાયા છે તેમ રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણીએ જાહેર કર્યું હતું, જો કે કઈ કંપનીના ક્યા પ્લાન્ટ સીલ કરાયા છે તેના નામો વિશાળ જન હિતમાં જાહેર કરવાને તેમણે છુપાવ્યા હતા.


વિશેષમાં આરોગ્ય અધિકારી ડો.વકાણીએ ઉમેર્યું હતું કે, જગ અને કેરબાના પાણીના સેમ્પલમાં પરીક્ષણ દરમિયાન મોસ્ટ પ્રોબેબલ નંબર કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ જો પ્રતિ ૧૦૦ એમએલ પ્રમાણે શૂન્ય હોય તો એક્સેલન્ટ, ૧ થી ૩ હોય તો સેટીસફેક્ટરી, ૪ થી ૯ હોય તો શંકાસ્પદ અને ૧૦ કે તેથી વધુ હોય તો અસંતોષકારક અને રિજેક્ટ કરવાને પાત્ર ગણવામાં આવે છે. જ્યારે રાજકોટમાં ૯૫ પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાયા હતા તેમાંથી પંચાવન સેમ્પલમાં બેફામ બેક્ટેરિયા જોવા મળતા જે પંચાવન યુનિટમાંથી સેમ્પલ લેવાયા હતા તે તમામ પંચાવન પ્લાન્ટ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા હતા તેમજ તેમને સ્ટોકમાં ઉપલબ્ધ જથ્થાનું વેંચાણ બંધ કરવા આદેશ કરાયો હતો.

આરોગ્યની દ્રષ્ટીએ યોગ્ય ન હોય તેવા સસ્પીસીયસ અને અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલા એકમો પૈકી ૫૩ એકમોને આરોગ્ય વિભાગ દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ – ૧૯૪૯ ની કલમ ૩૭૬ (એ) અન્વયે સીલ કરવાની મંજુરી મેળવી સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી જે અન્વયે હાલ કુલ ૪૭ એકમોને સીલ કરવામાં આવેલ છે અને બાકીના એકમોને સીલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમજ તમામ પાણી/બરફ વિતરકો દ્વારા નીચે મુજબના સૂચનોની અમલવારી કરવાની રહેશે.


વોટર પ્લાન્ટ માટે મહાપાલિકાની ગાઇડલાઇન


1) બોરવેલના પાણીનો ત્રણ (૩) મહિના ગાળે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે રીપોર્ટ કરાવીને રેકોર્ડમાં રાખવાનો રહેશે.


2) રોજનું ફિલ્ટર કરેલ પાણીનું રજીસ્ટર નિયમિત રીતે નિભાવવાનું રહેશે.


3) ફિલ્ટર બદલવાની તારીખનો યોગ્ય રેકોર્ડ નિભાવવાનો રહેશે.


4) ફિલ્ટર ખરીદીના તમામ બીલો સાચવીને રાખવાના રહેશે.


5) ફિલ્ટર મેન્ટેનન્સ સંબંધિત તમામ બીલો સાચવીને રાખવાના રહેશે.


6) પાણીનો પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રીપોર્ટ દર મહિને સંબંધિત કચેરીમાં રજુ કરવાનો રહેશે.


7) તૂટેલા જગ (કેન) દૂર કરવા અને ઉપયોગમાં લેવાતા જગ ફૂડ ગ્રેડ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.


8) સ્થળ/જગ્યાનું જરૂરી રીપેરીંગ કામ સમયસર પૂર્ણ કરવાનું રહેશે.


9) જગ (કેન) નિયમિત અને વ્યવસ્થિત રીતે સાફ રાખવાના રહેશે.


10) પાણીની નિયમિત સફાઈ અને જાળવણી કરવાની રહેશે.


11) દરેક જગ પર વિક્રેતાનું નામ અને મોબાઈલ નંબર સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે.


12) દરેક વિક્રેતા/સપ્લાયર વેચાણ કરેલ પાણી ના જગ/બરફ નું ગ્રાહક રજિસ્ટર નિભાવવાનું રહેશે જેમાં ઉત્પાદન તારીખ નો ઉલ્લેખ તેમજ ગ્રાહકની સહીનો સમાવેશ થશે.


13) ક્લોરીન ડોઝિંગ (ફ્યુઝ) પંપ ઇન્સ્ટોલ કરાવી 3 PPM સુપર ક્લોરીનેશન કરેલ પાણીનું જ વેચાણ કરવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application