ભાદરમાં સવા ફૂટ સહિત સૌરાષ્ટ્રના ૨૪ ડેમમાં ૧૦ ફુટ સુધી નવા નીરની આવક
ભાદરમાં સવા ફૂટ સહિત સૌરાષ્ટ્રના ૨૪ ડેમમાં ૧૦ ફુટ સુધી નવા નીરની આવક
July 24, 2026 11:15 AM
ભાદરમાં સવા ફૂટ સહિત સૌરાષ્ટ્રના ૨૪ ડેમમાં ૧૦ ફુટ સુધી નવા નીરની આવક
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ હેત વરસાવતા ગત રાત્રિ દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૩માંથી ૨૪ ડેમમાં ૦.૧૦થી ૧૦ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે જેમાં ભાદર-૧ ડેમમાં સવા ફૂટ પાણીની નોંધપાત્ર આવક થઇ છે.વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા ભાદર ૧ ડેમમાં ૧.૨૫ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૫૦ ફૂટ અને આજી-૧ ડેમમાં ૦.૨૦ ફૂટ નવા નીરની આવક થઇ છે. રાજકોટ ઇરીગેશન સર્કલના ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૩માંથી ૬૬ ડેમ ઉપર અડધોથી સાડા સાત ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જેમાં જેતપુરના સુરવો ડેમ ઉપર સાડા સાત ઇંચ, જામ કંડોરણાના ફોફળ ડેમ ઉપર છ ઇંચ, અમરેલી જિલ્લાના વડિયા પાસેના સાંકરોલી ડેમ ઉપર છ ઇંચ અને ગોમટા નજીકના ભાદર-૧ ડેમ ઉપર ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેરના આજી-૧ ડેમ ઉપર બે ઇંચ, ન્યારી ૧ ડેમ સાઇટ ઉપર બે ઇંચ અને લાલપરી તળાવ સાઇટ ઉપર અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.