મેઘવિરામ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૧૬ ડેમમાં ૦.૧૦ ફૂટથી અઢી ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ નથી પરંતુ ભારે વરસાદથી નદી, નાળા અને ચેકડેમો છલકાઇ ઉઠ્યા હોય તેના વહેણ શરૂ થતા હવે સીધી જ મોટા જળાશયોમાં આવક થઇ રહી છે.
વિશેષમાં રાજકોટ ઇરીગેશન ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ફોફળમાં ૦.૨૦ ફૂટ, આજી-૧માં ૦.૦૩ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, ફાળદંગબેટીમાં ૦.૩૩ ફૂટ, ખોડા પીપરમાં ૦.૬૬ ફૂટ, ઇશ્વરીયામાં ૦.૬૬ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં અડધો ફૂટ, ડેમી-૧માં ૦.૧૦ ફૂટ, ડેમી-૨માં એક ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૩૦ ફૂટ, ઉંડ-૩માં ૦.૬૯ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ભોગાવો-૧માં અડધો ફૂટ, મોરસલમાં અઢી ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૦.૩૩ ફૂટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૧૬ ફૂટ, નિંભણીમાં ૦.૩૩ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૩ ડેમ પૈકી ફ્ક્ત ત્રણ ડેમ ઉપર વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લાના ફાળદંગ બેટી ડેમ ઉપર ૧૫ મીમી અને સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમ ઉપર પાંચ મીમી તેમજ લીંબડી ભોગાવો-૧ ડેમ ઉપર ૧૦ મિમી વરસાદ નોંધાયો છે.