દિપડાના આટાફેરાથી ઉપરકોટ મુલાકાતીઓ માટે બંધ :રાત્રે કીલ્લાના દિલ્હી ગેટ પાસે દિપડો જોવા મળ્યો
દિપડાના આટાફેરાથી ઉપરકોટ મુલાકાતીઓ માટે બંધ :રાત્રે કીલ્લાના દિલ્હી ગેટ પાસે દિપડો જોવા મળ્યો
August 31, 2026 10:35 AM
જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડાના આટા ફેરા થી તંત્રમાં દોડધામ થઈ છે. સાવચેતીના ભાગરૂપે ઉપરકોટ કિલ્લો મુલાકાતીઓ માટે બંધ રખાયો છે. ગઈકાલે સાંજે રાંગ પર દીપડો બેઠેલો જોવા મળ્યો હતો. ગઈકાલે રાત્રે દિલ્હી ગેટ આસપાસ દીપડો જોવા મળતા તંત્ર એલર્ટ થયું છે જોકે દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી દીપડો ઝડપાયો નથી. જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની પાછળની સાઈડ પર આવેલી દિવાલ પર ગઈકાલે દીપડો બેઠો હતો. પર્યટકોએ દીપડાને જોયો હતો . તે સમયે ઉપરકોટમાં અંદાજિત ૧૫૦૦ વધુ પર્યટકો હતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ઉપરકોટ કિલ્લો ખાલી કરાવીને પ્રવાસીઓને બહાર લાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ દીપડાને ઝડપવા માટે વન વિભાગની ટીમે બે પાંજરા રાખવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે ઉપરકોટ કિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીને પણ પ્રવેશ બંધી લગાવવામાં આવી છે માત્ર વન અને પોલીસ તંત્ર દ્વારા જ ઉપરકોટ કિલ્લામાં હાલ દેખરેખ રાખવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે વન વિભાગની ટીમ ચકાસણી કરી રહી હતી તે સમયે ઉપરકોટના દિલ્હી ગેટ આસપાસ આવેલા વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હતો. ઉપરકોટમાં જ હજી દીપડો હોવાથી તંત્ર દ્વારા આજે સવારે પણ મુલાકાતિઓ માટે ઉપરકોટ બંધ રાખવામાં આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વન વિભાગની ટીમ દ્વારા વિવિધ વિભાગોમાં તપાસ કરી રહી છે. અંદાજીત ૮૦થી૧૦૦ ફૂટ ઊંચી દિવાલ પર દિપડો આવ્યો ક્યાંથી તે તપાસવા વન તંત્ર પણ દોડતું થયું છે વિશાળ ઉપરકોટ કિલ્લામાં દિપડો ક્યાં લપાયેલો હશે તે અંગે શોધખોળ માટે તંત્ર પણ દોડતું થયું છે.