ગુજરાત સરકારની ઈ-ગ્રામ યોજનામાં 2007 થી ફરજ બજાવતા ટેકનીકલ આસિસ્ટન્ટ અને તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ ને છુટા કરવાના સરકારના નિર્ણયની અમલવારી શરૂ કરી દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. લગભગ બે દાયકા જેટલો સમય નોકરી કર્યા પછી એકાએક કોઈ કારણ વગર કર્મચારીઓને કાઢી મૂકવાના આ નિર્ણય સામે સામૂહિક રીતે સરકારમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
ટેકનિકલ આસિસ્ટન્ટ અને તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ દ્વારા સરકારની અલગ અલગ પ્રકારની 50થી વધુ કામગીરી કરવામાં આવે છે તેનું લિસ્ટ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ઋષિકેશ પટેલને કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું અને એવી રજૂઆત કરવામાં આવી હતી કે સરકારની ગ્રામ્ય કક્ષાએ ઈ ગવર્નન્સની કામગીરી, નાગરિકોને ડિજિટલ સેવાઓનું તાલુકા કક્ષા સુધીનું મોનિટરિંગ કરીને જિલ્લા અને રાજ્ય કક્ષાએ રિપોર્ટિંગ, સરકારની દરેક યોજનાની ગ્રામ્ય કક્ષાએ જ ઓનલાઇન થતી અરજીઓનું સમય મર્યાદામાં નિરાકરણ, મેનપાવરની કામગીરી સહિતના કામો સંભાળીએ છીએ.
કર્મચારીઓએ કુંવરજીભાઈ બાવળીયા અને ઋષિકેશભાઇ પટેલ સમક્ષ રજૂઆત કર્યા બાદ પાઠવેલા આવેદનપત્રની નકલો સરકારના પંચાયત વિભાગના અગ્ર સચિવ વિકાસ કમિશ્નર સહિતના ટોચના અધિકારીઓને પણ મોકલી આપ્યા છે અને ફરજ પરથી છૂટા કરવાની કાર્યવાહી સ્થગિત કરવા અને નોકરી પર ચાલુ રાખવા માટે માગણી કરી છે.