BREAKING NEWS

હિરાસર સેટેલાઇટ ટાઉનનો માસ્ટર પ્લાન બનાવવા અર્બન પ્લાનર્સને આમંત્રિત કર્યા

  • January 03, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના હિરાસરને સેટેલાઇટ ટાઉન બનાવવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરાયા છે. પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી સાકાર થશે, અમલની જવાબદારી રૂડાની રહેશે. સેટેલાઇટ ટાઉન પ્રોજેક્ટ માટે આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરાશે, જે એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર રજૂ કરશે. પ્રોજેક્ટની ડેડલાઇન વર્ષ-૨૦૩૦ છે.

વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર ૨૦૨૫માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે હવે શહેરોના માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેના માટે ટેન્ડર દ્વારા અર્બન પ્લાનર્સની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ શહેરોમાં મહાનગરો જેવી સુવિધાઓ વિકસિત કરીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આયોજન છે, જેથી મોટા શહેરો પરથી ભારણ ઘટાડી શકાય.

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫માં અર્નિંગ વેલ-લિવિંગ વેલનો મંત્ર સાકાર કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આમંત્રિત કર્યા છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેઓ એક વર્ષની અંદર શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને રજૂ કરશે.

સેટેલાઇટ ટાઉન એટલે મોટા શહેર અથવા મહાનગરની નજીક સ્થિત એવું શહેર જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. આવા શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે ધમધમતા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની નવી તકો ખુલે. આ શહેરોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.

ગુજરાત સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શહેરોમાં માસ્ટર ટાઉન પ્લાનિંગ સાથે પરિવહન, ઉદ્યોગો, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.



સેટેલાઇટ ટાઉનમાં કઇ સુવિધાઓ હશે ?

સેટેલાઇટ ટાઉનમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવ્યવસ્થિત જાહેર પરિવહન સુવિધા (ઇલેક્ટ્રિક બસ સુવિધા સાથે), પાણી પુરવઠો અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિંગ રોડ, અર્બન ફોરેસ્ટ પાર્ક, સુંદર તળાવ, મોડેલ ફાયર સ્ટેશન અને મિક્સ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઓફિસ, ઘર, દુકાનો બધુ નજીકમાં)નું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓની કામગીરીને ઝડપથી અમલી બનાવવા માટે મંજૂરી તેમજ દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application