BREAKING NEWS

કંપનીની કાર વાપરવી હવે મોંઘી પડશે: ઇન્કમ ટેક્સના નવા નિયમોથી ટેક્સમાં થશે મોટો વધારો, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે

  • February 18, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પગારદાર કર્મચારીઓ માટે ઓફિસ તરફથી મળતી કારની સુવિધા હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે, પરંતુ હવે આ સુવિધા તમારા ટેક્સ બિલમાં મોટો વધારો લાવી શકે છે. ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ નિયમ 2026 માં પરસ્તાવિત ફેરફારો મુજબ, કંપનીની કારનો ઉપયોગ કરનારા કર્મચારીઓએ હવે વધુ 'પર્ક ટેક્સ' (Perquisite Tax) ચૂકવવો પડશે. જો સંસદ આ નિયમોને મંજૂરી આપી દે છે, તો તમારી ટેક્સપાત્ર આવકમાં મોટો વધારો જોવા મળી શકે છે.


કેટલો વધશે તમારો ટેક્સ?
નવા નિયમોની ગણતરી મુજબ, જે કર્મચારીઓનો વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા છે અને તેઓ કંપનીની કાર વાપરે છે, તેમના ટેક્સ બિલમાં અંદાજે 4,352 રૂપિયા નો વધારો થઈ શકે છે. તેવી જ રીતે, 25 લાખ રૂપિયાના વાર્ષિક પગારવાળા કર્મચારીઓ માટે આ વધારો 8,387 રૂપિયા સુધી પહોંચી શકે છે. મહત્વની વાત એ છે કે તમે નવું ટેક્સ રિજીમ પસંદ કર્યું હોય કે જૂનું, પર્ક (સુવિધા) પરની ટેક્સની ગણતરી બંનેમાં સમાન રહેશે.


નવી ગણતરીનું ગણિત

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો કંપની કાર અને તેના ઈંધણ-મેઈન્ટેનન્સનો ખર્ચ ઉઠાવતી હોય, તો તેની ટેક્સપાત્ર વેલ્યુમાં મોટો ફેરફાર પ્રસ્તાવિત છે:


નાની કાર (1.6 લિટર સુધીનું એન્જિન): અત્યાર સુધી આની વેલ્યુ 1,800 રૂપિયા પ્રતિ માસ ગણાતી હતી, જે હવે વધારીને 5,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.


મોટી કાર (1.6 લિટરથી વધુ એન્જિન): આની વેલ્યુ 2,400 રૂપિયાથી વધારીને સીધી 7,000 રૂપિયા પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે.


ડ્રાઈવરની સુવિધા: જો કારની સાથે ડ્રાઈવર પણ મળ્યો હોય, તો અત્યાર સુધી માત્ર 900 રૂપિયા પ્રતિ માસ પગારમાં જોડાતા હતા, જે હવે વધીને 3,000 રૂપિયા થઈ જશે.


આનો અર્થ એ થયો કે જો તમારી પાસે મોટી કાર અને ડ્રાઈવર છે, તો દર મહિને 10,000 રૂપિયા (7,000 + 3,000) એટલે કે વર્ષે 1.20 લાખ રૂપિયા તમારી ટેક્સપાત્ર આવકમાં ઉમેરાઈ જશે, જેના પર તમારે તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે.


શા માટે આ ફેરફાર કરવામાં આવ્યો?
ઇન્કમ ટેક્સના જૂના નિયમો (1962ના નિયમ 3) ઘણા લાંબા સમયથી અમલમાં હતા. નવા ડ્રાફ્ટ નિયમ 2026 (નિયમ 15) નો હેતુ સુવિધાઓની કિંમતને વર્તમાન બજારના ખર્ચ સાથે સરખાવવાનો છે. જોકે ટેક્સના દરો ઘટ્યા છે, પરંતુ સુવિધાઓનું મૂલ્યાંકન વધવાને કારણે અંતે કર્મચારીના હાથમાં આવતો પગાર (In-hand Salary) થોડો ઓછો થઈ શકે છે.


​​​​​​​ટૂંકમાં કહીએ તો ઓફિસની ગાડીમાં ફરવાનો આનંદ તો યથાવત રહેશે, પણ માર્ચ મહિનામાં જ્યારે ટેક્સની ગણતરી થશે ત્યારે તે ફ્રી રાઈડ જેવી નહીં લાગે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application