BREAKING NEWS

વ્યાજખોર વિશ્વરાજસિંહે યુવાનની દુકાન,મર્સિડીઝ કાર, બાઇક પડાવી લીધું

  • November 28, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
તાજેતરમાં ભયાવદરમાં જેની સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાઇ છે તે કુખ્યાત વ્યાજખોર વિશ્વરાજસિંહ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. રાજકોટના યુવાનને બહેનના લગ્ન માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં વિશ્વરાજસિંહ પાસેથી રૂ. 5 લાખ 10 ટકા વ્યાજે લીધેલ હતા. જેની સામે રૂ. 3 લાખ ચૂકવી દીધા છતાં યુવાનની ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં આવેલી દુકાન, એક બાઇક અને મર્સીડીઝ કાર પડાવી લીધી હતી. જે અંગે ઉપલેટા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


બનાવ અંગે રાજકોટના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક પામ સીટી એપાર્ટમેન્ટ, એ-602 ફ્લેટમાં રહેતા 35 વર્ષીય યુવાન રોનકભાઇ વિનોદરાય ઉદેસીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાયાવદરના વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમાનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચારેક વર્ષ પહેલા તેણે ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં રોકાણ માટે બે દુકાનો લીધી હતી. યુવાનની બહેનના લગ્ન હોય જેથી પૈસાની જરૂર પડતા એક દુકાન વેચી નાખી હતી. તેમ છતા વધુ પૈસાની જરૂરત પડતા દોઢ વર્ષ પહેલા તા.૦૪-૦૮-૨૦૨૪ ના ભાયાવદર ગામના નાઇન ફાઇનાન્સના સંચાલક વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા પાસેથી રૂ. 5 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જેથી તેણે 10 ટકા વ્યાજ કાપી રૂ. 4.50 લાખ આપ્યા હતા.


યુવાને નાણાં વ્યાજે લીધા બાદ ત્રણેક માસ સુધી રૂ. 50 હજાર લેખે વ્યાજ ચૂકવ્યું હતું. બાદ પૈસાની સગવડ થતી ન હોય જે અંગે વિશાલસિંહને વાત કરતા તેણે કહેલ કે, તારે પૈસા તો આપવા જ પડશે, પૈસા નહીં આપે તો મને કઢાવતા આવડે છે તેમ કહી મને ધમકાવવા લાગ્યો હતો. પૈસા નહી આપે તો તારી બહેનના લગ્ન થશે નહી તેવી ધમકી આપી હતી. તારી પાસે રોકડ પૈસા ન હોય તો તારી કોઇ મિલ્કત મને આપવી પડશે તેવી ધમકી આપતા યુવાને ઉપલેટા માર્કેટીંગ યાર્ડની દુકાન તેઓને આપવાની વાત કરેલ હતી. બાદ તા.૧૬-૦૪-૨૦૨૫ ના રોજ વિશાલસિંહનો યુવાનને ફોન આવેલ કે, તમારી દુકાન નિમેશભાઈ ભરતભાઇ તકવાણીના નામે કરી આપજો. જેથી યુવાને વિશાલસિંહના ડરના લીધે દુકાન નિમેષભાઈના નામે કરી આપેલ હતી.


બાદ વર્ષ ૨૦૨૫માં યુવાને વિશાલસિંહ અવાર નવાર ફોન કરી બાકીના વ્યાજના પૈસાની ઉઘરાણી કરી પૈસા નહિ આપ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેથી તેને રૂ. 1.50 લાખ તેની રાજકોટ ખાતે આવેલી ઓફિસે આપેલ હતા. જયા પૈસા આપવા જતાં તેણે જણાવ્યું હતું કે, ખાલી પૈસા નહી બીજી કોઇ વસ્તુ પણ તારે આપવી પડશે, નહીંતર ઘરે આવીને હેરાન કરીશ તેવી ધમકી આપેલ હતી. બાદ યુવાનનું એકસેસ જેની કિંમત રૂ.1 લાખ હોય તે પડાવી લીધેલ હતું.


ત્યારબાદ જુલાઇ-૨૦૨૫માં યુવાનને વિશાલસિંહ ફરીથી અવાર નવાર ફોન કરી પૈસાની ઉઘરાણી કરતો હતો અને ખૂનની ધમકી આપતો હતો. જેથી યુવાને કહેલ કે મારી પાસે હવે પૈસા નથી. તો વિશાલસિંહે કહેલ કે, તારી ફોર વ્હીલ ગાડી કયાં છે? કહી ગાડી પણ પડાવી લીધી હતી. જેથી અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી હતી. ઉપલેટા પીઆઈ ભાવેશ પટેલની ટીમે હાલ ભાયાવદર પોલીસ મથકમાં શનિવાર સુધીના રિમાન્ડ પર રહેલ વ્યાજખોરનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News