BREAKING NEWS

ફાળદંગમાં વાલ્વમેનના પરિવાર પર હુમલો: પિસ્ટલ બતાવી ધમકી

  • October 11, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે વાલ્વમેનને પાણી છોડવા પ્રશ્ને ગામમાં રહેતા માતા-પુત્રોએ ગાળો આપ્યા બાદ ફોર્ચ્યુનર કારમાં ઘરે ધસી આવી આધેડ તેના પુત્રને ધોકા વડે મારમારી તેની પત્નીને પછાડી દીધી હતી.બાદમાં બંદુક કાઢી આ કોઇની સગી નહીં થાય કહી ધમકી આપી હતી. જે અંગે કુવાડવા રોડ પોલીસે આધેડની ફરિયાદ પરથી ચાર શખસો સામે મારમારી,ધમકી,એટ્રોસિટી અને આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતા દાનાભાઇ વિરાભાઇ વાળા(ઉ.વ ૫૦) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા મનુબેન ધીરૂભાઇ વાળા, શિવરાજ ધીરૂભાઇ વાળા, જયરાજ ધીરૂભાઇ વાળા અને અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં દાનાભાઇએ જણાવ્યું છે કે, તે ગ્રામ પંચાયત ખાતે પાણીનો વાલ્વ ખોલી ગામમાં પાણ આપવાની નોકરી કરે છે.

ગઇકાલે સવારના સાડા આઠેક વાગ્યે તે ઘરે હતા ત્યારે ગામમાં રહેતા મનુબેન ધીરૂભાઈ વાળાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, અમારા ઘરે આજે પાણી આવ્યું નથી તો તાત્કાલીક અમારા ઘરે પાણી આપો. જેથી દાનાભાઇએ કહ્યું હતું કે, હું તમને છેલ્લા ૧૫ દિવસથી રોજ પાણી આપુ છુ. અને આજે પાણીના ટાંકામાં પાણી નથી અને તમો થોડીવારમાં પાણીની વ્યવસ્થા કરૂ છુ.જેથી મનુબેને ફોનમાં ગાળો દેવા લાગેલ અને કહ્યું હતું કે, પાણી નો હોય તો નોકરી નો કરાય નીકળી જવાયને હું હમણા શિવરાજ તારા ઘરે ચાવી લેવા મોકલુ છુ. તેમ કહેલ હતુ જેથી થોડીવારમાં શિવરાજ ઘરે ચાવી લેવા માટે આવ્યો હતો અને કહ્યું હતું કે, પાણીના ટાંકાની ઓરડીની ચાવી લાવો મારે પાણી ચાલુ કરવુ છે. જેથી આધેડે તેને કહ્યું હતું કે, હું સરપંચ પુછવા વગર ચાવી ન આપુ તેમ વાત કરતા ગાળો દેવા લાગ્યો હતો અને કહ્યું હતું કે હું હમણા આવુ છે. તું થોડી વાર ઉભો રહે તેમ કહી તે જતો રહ્યો હતો.

થોડી વાર બાદ આશરે નવેક વાગ્યે મનુબેન ધીરૂભાઈ વાળા ચાલીને આવ્યા હતા અને તેનો દિકરો શિવરાજભાઈ ધીરૂભાઈ વાળા તથા જયરાજ ધીરૂભાઇ વાળા તથા એક અજાણ્યો શખસ કાળા કલરની ફોર્ચુનર ગાડી લઈને ધર પાસે આવ્યો હતો. શીવરાજભાઈના એક હાથમાં ધોકો હતો તથા એક હાથમાં બંદુક જેવુ હથીયાર હતુ તથા જયરાજ ધિરૂભાઇ વાળાના હાથમાં લાકડાનો ધોકો હતો તથા તેની સાથે એક અજાણ્યો માણસ જેના હાથમાં પણ લાકડાનો ધોકો હતો. મનુબેને ફરિયાદીના પુત્ર રાજુને આવીને બે લાફા મારી દીધા હતા અને શિવરાજે ધોકો માર્યો હતો. બાદમાં જયરાજ આધેડને ધોકો જમણા પગમા મારી દીધો હતો અને શિવરાજભાઈ પાસે રહેલ બંદુક જેવુ હથિયાર આધેડને દખાડી કહ્યું હતું કે, આ તારી સગી નહીં થાય તેમ કહી માથાકુટ કરી ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી તારે ગામમાં રહેવુ છે. કે નહીં. શિવરાજે ફરિયાદીના પત્ની ચંપાબેનને કહેલ કે તું તો એક ધોકાની ઘરાક છો તેમ કહી શીવરાજે પાટુ મારી ચંપાબેનને પછાડી દીધા હતાં અને માર મારવાની ધમકી આપી હતી અને તારા દિકરા રાજુને જયા રાખવો હોય ત્યાં રાખજે તેને મારી નાખવો છે. તેમ મારી નાખવાની ધમકી આપેલ હતી.દરમિયાન ફરિયાદીનો અન્ય પુત્ર મહેશ વચ્ચે પડેલ હતો આ લોકો પોતાની ફોર્ચયુનર કાર લઈને જતા રહ્યા હતા.

હુમલામાં આધેડને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતાં. બનાવ અંગે આધેડની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ફાળદંગ ગામે રહેતા માતા-પત્રો સહિત ચાર સામે મારમારી,ધમકી,એટ્રોસિટી અને આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



શીવરાજને પિસ્ટલ સાથે પીસીબીએ ઝડપી લીધો

પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે. હુણ તથા ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, રાહુલ ગિરી ગોસ્વામી અને કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડાને બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ચોકડી પાસે ખોડીયાર પાન નજીકથી આરોપી શિવરાજ ધીરુભાઈ વાળા (ઉ.વ 24) ને ઝડપી લઇ તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ કિં.રૂ. 10,000 કબજે કરી હતી. પોલીસની પુછતાછમાં આરોપીએ કબુલાત આપી હતી કે, તે એમ.પી.ના ખેતમજૂર પાસેથી આ હથિયાર ખરીદ્યું હતું. આરોપી શિવરાજ વાળા સામે અગાઉ કુવાડવા, આજીડેમ અને જસદણના ભાડલા પોલીસ સ્ટેશનમાં મળી અપહરણ,દારૂ, જુગાર સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application