BREAKING NEWS

CISF દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન' રેલી જામનગરના જોડિયા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

  • January 31, 2026 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયકલોથોનના માધ્યમથી ૬૫ યુવાઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની ૩૫૦૦ કિ.મી.ની યાત્રા થકી ફેલાવી રહ્યા છે તટીય સુરક્ષાનો સંદેશ


જામનગર તા.૩૧ જાન્યુઆરી, દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉમદા હેતુ સાથે નીકળેલી 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય અને હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છના લખપતથી શરૂ થયેલી આ સાહસિક રેલીમાં ૬૫ જેટલા ઉત્સાહી યુવાનો સહભાગી થયા છે, જેઓ કેરળના કોચીન સુધીનું અંદાજે ૩૫૦૦ કિલોમીટરનું લાંબુ અંતર સાયકલ દ્વારા પૂર્ણ કરશે.



 જોડિયા ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ અને CISF ના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી.


આ અંગે વિગતો આપતા સી.આઈ.એસ.એફ. ના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આ રેલી માત્ર પ્રવાસ નથી પરંતુ માર્ગમાં આવતા તટીય ગામોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સમજવાનો અને સંસ્કૃતિના આદાન-પ્રદાનનો એક સેતુ છે. આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ  પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ અને અશોકભાઈ વર્માએ પણ હાજર રહી સાયકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application