દેશના મોટાભાગના વિસ્તારોમાં પારોથી ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. આ કાળઝાળ ગરમીમાં લોકો તડકાથી બચવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના અંગત વાહનોનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ દર વર્ષે ઉનાળામાં દેશના અલગ-અલગ ખૂણેથી ચાલુ ગાડીમાં કે પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. લોકો ઘણીવાર તેને માત્ર ટેકનિકલ ખામી માની લે છે, પરંતુ મોટાભાગે આ અકસ્માતો પાછળ આપણી નાની-નાની ભૂલો જવાબદાર હોય છે.
ઓવરહીટિંગ અને શોર્ટ સર્કિટ
આગ લાગવાનું મુખ્ય કારણ
ઉનાળાના દિવસોમાં વાહનનું એન્જિન સામાન્ય કરતાં ઘણું વધારે ગરમ થઈ જાય છે. જો ગાડીનું કૂલિંગ સિસ્ટમ બરાબર કામ ન કરતું હોય અથવા એન્જિન લાંબા સમય સુધી સતત ચાલુ રહે, તો 'ઓવરહીટિંગ'ની સમસ્યા સર્જાય છે. જ્યારે વાહનને કલાકો સુધી સીધા તડકામાં પાર્ક કરવામાં આવે છે, ત્યારે આ જોખમ બમણું થઈ જાય છે. અતિશય ગરમીના કારણે વાહનની જૂની વાયરિંગ કે બેટરીના વાયરો પીગળીને પરસ્પર ચોંટી જાય છે, જેનાથી શોર્ટ સર્કિટ થાય છે અને ક્ષણભરમાં આખી ગાડી ખાખ થઈ જાય છે.જ્યારે કાર તડકામાં લોક કરેલી પડી હોય છે, ત્યારે તેની અંદરનું તાપમાન બહારના વાતાવરણ કરતાં ક્યાંય ગણું વધી જાય છે. આવી સ્થિતિમાં કારની અંદર રાખેલી કેટલીક વસ્તુઓ જીવતો બોમ્બ સાબિત થઈ શકે છે
લાઈટર અને પરફ્યુમ સ્પ્રે
આ વસ્તુઓમાં ગેસ હોવાના કારણે વધુ તાપમાનમાં તે બ્લાસ્ટ થઈ શકે છે.
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ
પાવર બેન્ક અને મોબાઈલ ફોન જેવા ઉપકરણો વધુ ગરમીમાં ફાટી શકે છે અથવા આગ પકડી શકે છે.
CNG કીટમાં લીકેજ
જો તમારી પાસે સીએનજી કાર છે, તો વધારે સાવચેત રહો. ગેસ કીટમાં સહેજ પણ લીકેજ હોય તો ગરમીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
ધૂમ્રપાનનું જોખમ
ચાલુ ગાડીમાં ધૂમ્રપાન કરવું જોખમી છે, કારણ કે નાની સરખી ચિંગારી પણ સીટો કે વાયરિંગને આગ લગાડી શકે છે.આ સરળ ટિપ્સ અપનાવો, વાહનને સુરક્ષિત રાખો ,નાની સાવધાની રાખીને તમે કોઈ મોટા નુકસાન કે અકસ્માતથી બચી શકો છો
છાયડામાં પાર્કિંગ
વાહનને બને ત્યાં સુધી કોઈ વૃક્ષ કે શેડ નીચે જ પાર્ક કરો. જો છાયડો ન હોય, તો સારી ગુણવત્તાવાળા 'કાર કવર'નો ઉપયોગ કરો.
નિયમિત સર્વિસિંગ
ઉનાળાની શરૂઆતમાં જ ગાડીની બેટરી, કૂલિંગ સિસ્ટમ, વાયરિંગ અને એન્જિનની પ્રોપર તપાસ કરાવો.
કેબિન ખાલી રાખો
કારમાંથી બહાર નીકળતી વખતે કિંમતી કે જ્વલનશીલ વસ્તુઓ (જેમ કે પાવર બેન્ક, લાઈટર) ક્યારેય અંદર ન મૂકી રાખવી.
લીકેજની તુરંત તપાસ
જો સીએનજી કે બળતણની કોઈ ગંધ આવે, તો વિલંબ કર્યા વિના વાહનને તરત જ સર્વિસ સેન્ટર પર લઈ જઈને ઠીક કરાવો.ઉનાળાની ઋતુમાં વાહનની સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવું એ માત્ર વાહનને બચાવવા માટે જ નહીં, પણ તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે પણ અત્યંત જરૂરી છે.