રાજકોટ શહેરમાં આરએમસી ઓન ડ્યુટી લખેલા વાહનો જ્યાં ત્યાં અને ગમે તે સમયે રખડતા જોવા મળે છે, સામાન્ય નાગરિકો મહાપાલિકાના સિમ્બોલ અને આરએમસી ઓન ડ્યુટીનું લખાણ વાંચી તે વાહન સરકારી હોવાનું માને છે અને એવું અનુમાન કરે છે કે તેમાં કોઈ અધિકારી કે પદાધિકારી હશે પરંતુ તેમાં અન્ય કોઈક જ બેઠેલા જોવા મળે છે અનેક વખત તો ફક્ત ડ્રાઈવર જ હોય છે ! પરંતુ હવે આવા દ્રશ્યો જોવા નહીં મળે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન પરેશભાઇ પીપળીયાએ આઉટસોર્સિંગથી ભાડે મેળવેલા વધારાના બિનજરૂરી વાહનો પરત કરવા માટે અધ્યક્ષ સ્થાનેથી અર્જન્ટ બિઝનેસ ઠરાવ પસાર કર્યો હતો.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી અપીલને ધ્યાને લઈને ઇંધણ ખર્ચ બચાવવા તેમજ વાહન ભાડાનો ખર્ચ ઘટાડી કરકસર કરવાના હેતુથી તેમણે ઉપરોક્ત નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનરને પણ ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. હાલ ૨૨ થી વધુ શાખાઓમાં આઉટ સોર્સિંગથી ભાડે મેળવેલા ૫૧ વાહનો દોડે છે તેમાંથી કેટલા વાહનો ઘટાડી શકાય તેમ છે તેનો રિપોર્ટ ટોપ પ્રાયોરિટીમાં રજૂ કરવા આદેશ કર્યો છે.
લઘુતમ સાધનનો મહત્તમ ઉપયોગ કરાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ અધિકારીઓ અને ઇજનેરોએ લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરવા તાકીદ કરી હતી. જો એક વાહનનો ચાર કામ માટે ઉપયોગ થઈ શકતો હોય તો ચાર કામ માટે ચાર વાહન શા માટે રાખવા જોઈએ ? તે અંગે ખુલાસો પૂછ્યો હતો. એકંદરે ખરેખર કેટલા વાહનો ભાડેથી મેળવી રાખવાની અનિવાર્યતા છે તેનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા કમિશનરને આદેશ કર્યો હતો.
પાર્ટી સંકલન મેયરના અધ્યક્ષસ્થાને મળી, શહેર પ્રમુખ ન આવ્યા
સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વેની પાર્ટી સંકલન મિટિંગ આજે મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને મળી હતી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે આવ્યા ન હતા. તાજેતરમાં પ્રદેશે આપેલી નવી માર્ગદર્શિકા મુજબ શાસક પાંખ સ્વતંત્ર રીતે કાર્ય કરશે છતાં સંગઠન સાથે તાલમેલ જાળવી રાખશે. હવે સંકલન મિટિંગમાં શહેર અધ્યક્ષ અત્યંત જરૂરી હશે તો જ આવશે તેમ જાણવા મળે છે.