લોકમેળામાં પાંચ દિવસ સુધી દિગ્ગજ ગુજરાતી કલાકારો રાજકોટિયન્સને ડોલાવશે
લોકમેળામાં પાંચ દિવસ સુધી દિગ્ગજ ગુજરાતી કલાકારો રાજકોટિયન્સને ડોલાવશે
August 22, 2026 10:13 AM
સાતમ-આઠમના પર્વ નિમિત્તે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં આ વર્ષે પણ શહેર-જિલ્લાની જનતાને ભરપૂર મનોરંજન મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં જાણીતા ગુજરાતી કલાકારો ઉપરાંત પ્રખ્યાત નેવી બેન્ડ પણ પોતાની રજૂઆત કરશે.આગામી તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા લોકમેળામાં દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. ૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત નેવી બેન્ડ દ્વારા ખાસ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જે લોકમેળાનું મુખ્ય આકર્ષણ બની રહેશે. નેવી બેન્ડની દેશભક્તિ અને સંગીતમય રજૂઆત માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે. લોકમેળાના પાંચેય દિવસ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા પણ સંગીત અને લોકસંસ્કૃતિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. તા. ૨ સપ્ટેમ્બરના રોજ લોકપ્રિય કલાકાર ગોપાલ ભરવાડ કાર્યક્રમ રજૂ કરશે. તા. ૩ના રોજ જાણીતા લોકગાયક રાજભા ગઢવી પોતાની આગવી શૈલીમાં રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કરશે. તા. ૪ સપ્ટેમ્બરના રોજ જાણીતા ગાયિકા શાંત્વની ત્રિવેદી સંગીતની સુરાવલી રેલાવશે. ત્યારબાદ તા. ૫ સપ્ટેમ્બરના રોજ ઉદય ધાધલ દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જ્યારે લોકમેળાના અંતિમ દિવસે તા. ૬ સપ્ટેમ્બરના રોજ સાગર કાચા અને દિવ્યેશ જેઠવાની જોડી સંગીતમય કાર્યક્રમ રજૂ કરશે. આ ઉપરાંત લોકમેળાના પાંચેય દિવસ દરરોજ સાંજે ૪થી ૮ વાગ્યા દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. આમ, રાજકોટ લોકમેળામાં લોકગીત, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો અનોખો સંગમ જોવા મળશે. રાઈડ્સ, ખાણીપીણી અને વિવિધ સ્ટોલની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાના માહોલને વધુ રંગીન બનાવશે.