BREAKING NEWS

ગુજરાતમાં વેટરનરી ડોક્ટરોને માત્ર 8400નુ ભથ્થુ: દેશભરમાં 15,000 થી 23,500

  • November 12, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પ્રતિ માસ માત્ર રૂપિયા 8400 ભથ્થું ચૂકવવામાં આવે છે. જ્યારે અન્ય રાજ્યોમાં રૂપિયા 15,000 થી રુ. 23,500નું ભથ્થું ચૂકવવામાં આવતું હોવાથી વેટરનરી ડોક્ટરોના ઇન્ટર્નશિપના ભથામાં વધારો કરવાની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે.

જુનાગઢ ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ સંદર્ભે કોલેજના પ્રિન્સિપાલને એક આવેદનપત્ર આપીને જણાવ્યું કે કે ઉત્તર પ્રદેશમાં રૂપિયા 23,500 રાજસ્થાનમાં રૂપિયા 23,000 હરિયાણામાં રુ 21,310 પશ્ચિમ બંગાળમાં રૂપિયા 20,000 કેરળમાં રૂપિયા 17000 ઓડીસામાં રૂપિયા 15,750 આસામમાં રૂપિયા 17000 બિહારમાં રૂપિયા 15000 કર્ણાટકમાં રૂપિયા 14000 અને તામિલનાડુમાં રૂપિયા 11,000 પ્રતિમાસ ઇન્ટરનશીપ ભથ્થું ચૂકવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં સૌથી ઓછું માત્ર રૂપિયા 8400 ભથ્થું આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ નવા નિયમ હેઠળ અભ્યાસક્રમ પાંચ વર્ષ અને છ મહિનાનો કરવામાં આવેલ છે. જેમાં એક વર્ષની ઇન્ટર્નશીપ નો સમાવેશ થાય છે. આવા વિદ્યાર્થીઓને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. ત્યારે પ્રતિ મહિનાના રૂપિયા 8,400 માં વિદ્યાર્થીઓનું પૂરું થતું નથી અને ગાંઠના ખર્ચે સેવા કરવી પડે છે.

એમબીબીએસ કરતા આ અભ્યાસક્રમ પ્રમાણમાં અઘરો હોવાની રજૂઆત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એમબીબીએસના વિદ્યાર્થીઓને ફક્ત માનવ દેહનો અભ્યાસ કરવાનો હોય છે. જ્યારે પશુ ચિકિત્સક અને પશુપાલનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને બધા જ પ્રાણીઓ પક્ષીઓ વન્ય જીવો અને ઉભયજીવી નો અભ્યાસ કરવાનો હોય છે.વૈશ્વિક સ્તરે પણ આ અભ્યાસક્રમને વધુ અઘરો ગણવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પશુ ચિકિત્સક અધિકારીની નિમણૂક અને પગાર ધોરણ પણ રાજ્યના મેડિકલ અધિકારીઓને સમાન હોય છે.

થોડા સમય પહેલા સરકારે એમબીબીએસના ઇન્ટરની વિદ્યાર્થીઓ માટે ભથ્થામાં વધારો કર્યો છે. પરંતુ પશુ ચિકિત્સક ના ઇન્ટર્નશિપ ભથ્થા મા છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. નવા નિયમ મુજબ વેટરનરી પોલી ક્લિનિક, ડેરી, સંશોધન કેન્દ્રો, પ્રાણીસંગ્રહાલય, પ્રયોગશાળાઓ, ફીડ ફેક્ટરીઓ વગેરેમાં ઈન્ટરશીપ ફાળવવામાં આવે છે. આ જગ્યાઓ કોલેજથી ઘણી દૂર હોય છે અને ત્યારે વાહન વ્યવહાર નો ખર્ચ, રહેઠાણ, ખોરાક વગેરેમાં રુ. 8,400 પરવડતા નથી. આવા સંજોગોમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર મહિને ઓછામાં ઓછા રૂપિયા 20,500 ભથ્થું આપવાની માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application