ગુજરાતમાં સિંહોની સુરક્ષા અને સંરક્ષણ માટે વનવિભાગ દ્વારા મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ તે વચ્ચે જ ગીરના એક ગામડામાંથી સિંહની પજવણી કરતો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વનવિભાગની કામગીરી અને સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા થયા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ સિંહનો વીડિયો ઉતારી રહ્યો છે, તે દરમિયાન સિંહ અચાનક તે વ્યક્તિની નજીક આક્રમક રીતે દોડી આવે છે. વીડિયો ઉતારનાર શખ્સ સામે સિંહની આ આક્રમક દોટ જોઈને કોઈપણના શ્વાસ અદ્ધર થઈ જાય. સદનસીબે, સમયસૂચકતા અથવા અન્ય કોઈ કારણોસર સિંહ હુમલો કર્યા વગર પાછો ફરી જાય છે, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આ વીડિયો ગીરના કોઈ રેવેન્યુ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે, જ્યાં અવારનવાર સિંહોની અવરજવર જોવા મળતી હોય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે, જેથી વીડિયો કયા વિસ્તારનો છે અને સિંહની પજવણી કરનાર શખ્સ કોણ છે તેની સચોટ માહિતી મળી શકે.
વૈશ્વિક સ્તરે એશિયાટિક સિંહોનું એકમાત્ર આશ્રયસ્થાન ગણાતા ગીર જંગલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો છે. તેમ છતાં, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ કે વીડિયો બનાવવાના ચક્કરમાં પોતાના જીવની સાથેસાથે મૂગા પ્રાણીઓની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. વનવિભાગ દ્વારા આવા બેજવાબદારો સામે કડક દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી રહી છે.