જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા ચેકીંગની કાર્યવાહી બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે સવારે પીજીવીસીએલના અઘ્યક્ષ હષીત વ્યાસની સુચનાથી શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકીંગની ટુકડી ત્રાટકી છે અને આ વીજીલન્સ ટીમે ચેકીંગ શરૂ કર્યુ છે, જામનગર શહેરમાં અનેક સ્થળોએ હજુ પણ વિજ લોશ આવતો હોય સાંજ સુધી વિજ ચોરી પકડવા અભિયાન હાથ ધરાશે.
જાણવા મળતી માહિતી મુજબ આજ સવારથી સમર્પણ હોસ્પિટલ, તીરૂપતિ સોસાયટી, યાદનગર, દિગ્જામ સર્કલ, જોડીયા, માધાપર ભુંગા, બેડી, ધરારનગર તેમજ શહેરનાકેટલાક વિસ્તારોમાં પીજીવીસીએલની અનેક ટીમ દ્વારા ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આ સમગ્ર ચેકીંગ દરમ્યાન પોલીસનો પણ મજબુત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં અવારનવાર વિજ લોસ આવતો હોય તંત્ર દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિજ ચોરીમાં પણ જામનગર આગળ પડતું છે, અવારનવાર બેડી, જોડીયા ભુંગા, ધરારનગર, પાણાખાણ સહિતના કેટલાક વિસ્તારોમાં લંગરીયા, ડાયરેકટ વિજ જોડાણ અને અન્ય કરામતથી વિજ ચોરી પકડી પાડવામાં આવે છે, છતાં પણ બે-ત્રણ દિવસમાં જ ફરીથી વિજ ચોરો ડાયરેકટ વિજ જોડાણ લઇ લે છે, આમ અનેક વિસ્તારોમાં વિજ લોસ આવતો હોવાના કારણે પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારોમાં અવારનવાર ચેકીંગ માટે કાર્યવાહી કરવામાં આવે છે.
તાજેતરમાં જ અનેક સ્થળોએથી વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ લખાય છે ત્યારે પણ ૧૧ વાગ્યે વિજ ચોરી પકડી પાડવા માટે બે ડઝનથી વધુ ટીમ શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકીંગ કરી રહી છે, સાંજ સુધીમાં વિજ ચોરી કેટલી પકડાઇ છે તેની માહિતી આપવામાં આવશે.