BREAKING NEWS

બેંગકોક બચાવવા ગામડાંને ડુબાડી દીધાં થાઇલેન્ડની પૂર નીતિ સામે સવાલ ઉઠયા

  • October 17, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થાઇલેન્ડમાં દર વર્ષે આવતું પૂર હવે માત્ર કુદરતી આફતનો પ્રશ્ન રહ્યું નથી, પરંતુ કોને બચાવવું અને તેની કિંમત કોણ ચૂકવે તેવો ગંભીર નીતિગત પ્રશ્ન બન્યો છે. રાજધાની બેન્કોક, ઔધોગિક વિસ્તારો અને ઐતિહાસિક અયુથયા શહેરને મોટા પૂરથી બચાવવા માટે બનાવાયેલી જળવ્યવસ્થાનો માર નદીકાંઠે વસતા ગામોને ભોગવવો પડી રહ્યો છે. કેટલાક ગામોમાં સતત છ વર્ષથી ઘરોમાં પાણી ભરાય છે અને અનેક પરિવારો ઘર છોડવા મજબૂર થયા છે.થાઇલેન્ડમાં ૨૦૧૧માં વિનાશક પૂર આવ્યું હતું. ત્યારબાદ સરકારે બંધ, પાણી રોકતા ગેટ અને પૂરનું વહેણ નિયંત્રિત કરતી અનેક યોજનાઓ ઊભી કરી હતી. આ વ્યવસ્થાનો હેતુ ચાઓ ફ્રાયા નદીમાં વધતા પાણીને બેન્કોક, અયુથયાના ઐતિહાસિક વિસ્તારો અને મોટા ઔધોગિક કેન્દ્રોથી દૂર રાખવાનો હતો.આ વ્યવસ્થાએ શહેરોને અમુક હદે સુરક્ષા આપી, પરંતુ પાણી અંતે કયાંક તો જાય જ છે. તેનું વધુ ભારણ નીચાણવાળા અને નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારો ઉપર આવી રહ્યું છે. અયુથયા પ્રાંતના કેટલાક ગામોમાં લોકો જણાવે છે કે અગાઉ પૂરનું પાણી ઘૂંટણ સુધી આવતું હતું, યારે હવે કેટલાંક સ્થળે માથાથી પણ ઉપર પહોંચી જાય છે.
એક પરિવારે પોતાનું ઘર જમીનથી લગભગ દસ ફટ ઐંચું બનાવ્યું હોવા છતાં ઘરમાં પાણી ભરાય છે. પરિવારના સભ્યોને ઐંચા પ્લેટફોર્મ ઉપર સૂવું પડે છે અને શૌચાલયનો પણ ઉપયોગ થઈ શકતો નથી. કેટલીક જગ્યાએ પૂરનું પાણી ઉતરતાં મહિનાઓ લાગી જાય છે.અયુથયાના યુનેસ્કો વિશ્વ ધરોહર મંદિરો અને ઐતિહાસિક ઇમારતોની આસપાસની સુરક્ષા પણ સરકાર માટે પ્રાથમિકતા છે, પરંતુ તે વિસ્તારથી માત્ર વીસેક કિલોમીટર દૂરનાં ગામડાં વારંવાર ડૂબી રહ્યાં છે.વૈજ્ઞાનિકો ચેતવે છે કે હવામાન પરિવર્તન ભારે વરસાદ અને પૂર જેવી ઘટનાઓ વધુ ગંભીર બનાવી શકે છે. જોકે દરેક પૂર માટે માત્ર હવામાન પરિવર્તનને જવાબદાર ગણાવી શકાય નહીં. નદીનું સંચાલન, ગેટ ખોલવા–બધં કરવાની નીતિ અને પાણી કયાં વાળવું તે નિર્ણય પણ એટલો જ મહત્વનો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application