કેન્યાની રાજધાની નૈરોબીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે વધી જતાં દેશવ્યાપી ટ્રાન્સપોર્ટ હડતાળ શરૂ થઈ છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે પથ્થરમારો અને હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પોલીસે ભીડને વિખેરવા માટે ગોળીબાર કર્યો હતો.
દેશના ગૃહમંત્રી કિપચુમ્બા મુરકોમેને જણાવ્યું છે કે હિંસક અને ગેરકાયદેસર પ્રદર્શનો કરવા બદલ અત્યાર સુધીમાં 348 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરાશે. આ હડતાળ અને હિંસાના કારણે રાજધાનીના રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તાઓ પર ટાયરો સળગાવ્યા હતા અને બે વાહનોને આગ ચાંપી દીધી હતી, જેના લીધે હજારો મુસાફરો રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા.
કેન્યામાં શુક્રવારે ડીઝલના ભાવમાં 23.5 ટકા અને પેટ્રોલમાં આઠ ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો. સરકારે આ વૈશ્વિક ભાવવધારા માટે ઈરાન યુદ્ધ અને ઉર્જા પુરવઠામાં અવરોધને જવાબદાર ગણાવ્યો છે. બીજી તરફ, કેન્યા નેશનલ ચેમ્બર ઓફ કોમર્સે ચિંતા વ્યક્ત કરી છે કે ઈંધણ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ મોંઘી થઈ જશે. આ સમગ્ર વિવાદ વચ્ચે દેશના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો હાલ વિદેશ પ્રવાસે હોવાથી તેમની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો, જેઓ દેશની બહાર છે, તેમણે નવા ભાવ વધારા કે વિરોધ પ્રદર્શનો અંગે કોઈ ટિપ્પણી કરી નથી. દરમિયાન, કેન્યા નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે વધેલા ભાવ તમામ માલ અને સેવાઓને અસર કરશે. તેણે એ પણ નોંધ્યું છે કે એપ્રિલ અને મે વચ્ચે કેન્યામાં ભાવ વધારો વૈશ્વિક તેલના ભાવમાં વધારા કરતા ઘણો વધારે હતો. આ સૂચવે છે કે સ્થાનિક સ્તરે ખર્ચ વધવાની પ્રક્રિયા ચાલુ છે.