BREAKING NEWS

ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન સહિત યુરોપના અનેક દેશોમાં હિંસક વિરોધ પ્રદર્શન, લાખો લોકો રસ્તા પર ઉતર્યા

  • October 25, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુરોપના અનેક દેશોમાં વીકેન્ડ દરમિયાન મોંઘવારી, આવાસ સંકટ (હાઉસિંગ ક્રાઇસિસ), પેન્શન કાપ, શિક્ષણ વ્યવસ્થામાં ગિરાવટ, ભ્રષ્ટાચાર અને યુદ્ધ વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન જોવા મળ્યા છે. શનિવારે ફ્રાન્સ, અલ્બેનિયા, ઇટાલી, સ્પેન અને પોર્ટુગલમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના પછી સરકારોએ સુરક્ષા વ્યવસ્થા કડક કરવી પડી હતી અને કેટલાક સ્થળોએ સેના પણ તૈનાત કરવી પડી હતી.

ફ્રાન્સમાં હિંસક અથડામણ બાદ 1000 ની આસપાસ ધરપકડ ફ્રાન્સમાં શનિવારે થયેલા પ્રદર્શનો દરમિયાન ભારે તણાવ જોવા મળ્યો હતો. ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝના જણાવ્યા અનુસાર, દેશભરમાંથી લગભગ 1000 લોકોની અટકાયત કરવામાં આવી છે. સરકારના અંદાજ મુજબ આશરે 4.10 લાખ લોકોએ આ રેલીઓમાં ભાગ લીધો હતો, જ્યારે આયોજકોએ આ સંખ્યા લગભગ 8 લાખ બતાવી હતી.


પેરિસમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બાદ પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. ઉપદ્રવીઓ પર નજર રાખવા માટે પોલીસ હેલિકોપ્ટર પણ તૈનાત કરાયા હતા. વામપંથી નેતા જ્યોં-લુક મેલેંશોએ પોલીસની સખત કાર્યવાહીની ટીકા કરી હતી, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં ફ્રાન્સની આ સ્થિતિ માટે ત્યાંની ઇમિગ્રેશન નીતિઓને જવાબદાર ઠેરવી હતી.


અલ્બેનિયામાં સરકાર અને ભ્રષ્ટાચાર સામે રોષ

​​​​​​​અલ્બેનિયાની રાજધાની તિરાના સહિત અનેક શહેરોમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ભારે પ્રદર્શનો થયા હતા. પ્રદર્શનકારીઓ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નબળી શિક્ષણ વ્યવસ્થાને લઈને આક્રોશમાં હતા. તેમણે ટ્યુશન ફી ઘટાડવાની અને શિક્ષણ બજેટ વધારવાની માગ સાથે વડાપ્રધાન એડી રામાના રાજીનામાની પણ માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ કૃષિ મંત્રાલયના પ્રવેશદ્વાર પર આગ લગાવી દીધી હતી, સરકારી ઇમારતો તથા બેંકોને નિશાન બનાવી હતી અને પોલીસ પર પથ્થર તેમજ ફટાકડા ફેંક્યા હતા. ભીડને વિખેરવા માટે રમખાણ વિરોધી પોલીસે ટીયર ગેસ, વોટર કેનન અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.


ઇટાલીમાં સેનાના 500 વધારાના જવાનો તૈનાત

ઇટાલીના મિલાન, રોમ, ટ્યુરિન, નેપલ્સ અને ફ્લોરેન્સ જેવા શહેરોમાં યુવાનોએ અનેક સામાજિક અને રાજકીય મુદ્દાઓને લઈને માર્ચ કાઢી હતી. પોલીસે 8 શહેરોમાંથી 9 લોકોની ધરપકડ કરી હતી અને 371 લોકોની અસ્થાયી ધોરણે અટકાયત કરી હતી, જેમાં 110 સગીરો સામેલ હતા. રોમમાં પ્રદર્શનકારીઓના એક નાના જૂથે ઐતિહાસિક કોલોસિયમમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને રોકી દીધા હતા.


વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મિલાનમાં 500 વધારાના સૈનિકોની તૈનાતીની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર સુરક્ષિત રહેવો જોઈએ, પરંતુ નાગરિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.



સ્પેનમાં પેન્શન અને આવાસ સંકટને લઈને પ્રદર્શન

સ્પેનની રાજધાની મેડ્રિડમાં હજારો પેન્શનરો અને સામાન્ય નાગરિકોએ જાહેર પેન્શન સિસ્ટમની સુરક્ષા અને મોંઘવારી મુજબ પેન્શન વધારવાની માગ સાથે માર્ચ કાઢી હતી. પ્રદર્શનકારીઓએ ન્યૂનતમ પેન્શનને ન્યૂનતમ વેતન બરાબર કરવા, મહિલા-પુરુષ પેન્શન તફાવત નાબૂદ કરવા અને પેન્શનના ખાનગીકરણ પર રોક લગાવવાની માગ ઉઠાવી હતી. આ સાથે જ સ્પેનમાં વધતા ભાડા અને મકાનોની વધતી કિંમતોએ પણ જનતામાં ભારે અસંતોષ ઊભો કર્યો છે.


પોર્ટુગલમાં મોંઘા મકાનો સામે ટેન્ટ લગાવીને વિરોધ

પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં હજારો લોકોએ હાઉસિંગ ક્રાઇસિસ અને વધતી મોંઘવારી સામે માર્ચ કરી હતી. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે યુવાનો માટે ઘર ખરીદવું કે ભાડે લેવું અશક્ય બની રહ્યું છે. માર્ચ બાદ પ્રદર્શનકારીઓએ રોસિયો સ્ક્વેરમાં 100 થી વધુ ટેન્ટ લગાવીને પડાવ નાખ્યો હતો, જેને પોલીસે રવિવારે વહેલી સવારે બળપૂર્વક હટાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પોર્ટુગલમાં 2017 પછી મકાનોની કિંમતો બમણાથી વધુ થઈ ગઈ છે અને બેંક ઓફ પોર્ટુગલ અનુસાર દેશમાં આશરે 3 લાખ ઘરોની ભારે અછત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application