આજના સમયમાં વધતી જતી બીમારીઓ અને દવા-પ્રતિરોધક ચેપોએ વૈજ્ઞાનિકો માટે મોટો પડકાર ઊભો કર્યો છે. અનેક રોગો એવા છે કે જેમની સામે ઉપલબ્ધ એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક સાબિત થઈ રહી છે. આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે વૈજ્ઞાનિકોએ એક અનોખું અને આશાસ્પદ સંશોધન હાથ ધર્યું છે, જેમાં અવકાશમાં મોકલાયેલા વાયરસ અને બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. આ ફેરફારો ભવિષ્યમાં ગંભીર ચેપની સારવાર માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.
યુએસની વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર માઇક્રોગ્રેવિટી પ્રયોગશાળામાં ખાસ પ્રકારના વાયરસ પર પ્રયોગ કર્યો. આ સંશોધનમાં ‘ટી-7 ફેજ’ નામના વાયરસને ઇ. કોલી બેક્ટેરિયા સાથે અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. અવકાશમાં ગુરુત્વાકર્ષણના અભાવને કારણે વાયરસના ડીએનએમાં અનોખા અને ઉપયોગી પરિવર્તનો થયા. જ્યારે આ વાયરસ પૃથ્વી પર પરત ફર્યા, ત્યારે તે સામાન્ય વાયરસ કરતાં વધુ શક્તિશાળી અને ચોક્કસ રીતે બેક્ટેરિયા પર હુમલો કરી શકતા હોવાનું જણાયું.
સંશોધનનો સૌથી મહત્વનો તારણ એ છે કે આ અવકાશ-વિકસિત વાયરસ હવે એવા સુપરબગ્સને પણ નષ્ટ કરી શકે છે, જે દવા-પ્રતિરોધક છે. ખાસ કરીને, પેશાબની નળીઓના ચેપ જેવા ગંભીર અને વારંવાર થતા ચેપ, જેની સામે પરંપરાગત દવાઓ નિષ્ફળ ગઈ હતી, તેનો ઉપચાર હવે શક્ય બનતો દેખાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે આ ટેકનોલોજી લાખો ક્રોનિક ચેપથી પીડાતા દર્દીઓ માટે નવી આશા બની શકે છે.
આ સંશોધન ફેજ થેરાપીના ખ્યાલને વધુ મજબૂત બનાવે છે. ફેજ થેરાપીમાં ખાસ વાયરસનો ઉપયોગ કરીને માત્ર હાનિકારક બેક્ટેરિયાને નિશાન બનાવવામાં આવે છે, જેથી શરીરના ઉપયોગી બેક્ટેરિયા સુરક્ષિત રહે અને આડઅસરો ઘટે. અવકાશમાં પ્રશિક્ષિત થયેલા ફેજ વાયરસ આ દિશામાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
આ સાથે જ, અવકાશમાં સુક્ષ્મસજીવો કેવી રીતે વિકસે છે તેની સમજ વૈજ્ઞાનિકોને ભવિષ્યના સંભવિત રોગચાળા, જેને ડિસીઝ એક્સ તરીકે ઓળખવામાં આવે છે, તેની તૈયારી માટે મદદરૂપ થશે. આ જાણકારી માત્ર અવકાશયાત્રીઓની સલામતી માટે નહીં, પરંતુ પૃથ્વી પર નવી રસીઓ અને એન્ટિવાયરલ દવાઓ વિકસાવવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.