રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી માટે કામચલાવ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. સમગ્ર યાદી રાજકોટ કલેકટર કચેરી સહિત પાંચ સ્થળો ખાતે જોઈ શકાશે તેમજ સાત દિવસ અંતર્ગત વાંધા દાવા રજૂ કરી શકાશે. કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટની સંચાલક મંડળની ચૂંટણી યોજવા અંગેની કામચલાઉ મતદાર યાદી આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના મંડળીગત સભ્યોની ૧૫ બેઠક તથા વ્યક્તિગત સભાસદોની ૧ બેઠક મળી કુલ-૧૬ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ પૂર્વે કામચલાઉ મતદાર યાદી, મતદાન અંગે ગેરલાયકાત ધરાવતી મંડળીઓની યાદી કલેક્ટરની કચેરી (શ્રોફ રોડ, રાજકોટ), પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૨ની કચેરી (જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ), જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (બહુમાળી ભવન, રાજકોટ), શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ("સહકાર" બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ પાસે, ગોંડલ રોડ, રાજકોટ) તથા મામલતદાર કચેરી રાજકોટ તાલુકા (જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ) ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મુસદ્દારૂપ મતદાર યાદી સામે જો કોઈ વાંધા-દાવા હોય તો, પ્રસિદ્ધિની તારીખથી ૭ દિવસમાં તે અંગે ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-૨ને લેખિતમાં રજૂ કરવાના રહેશે. તારીખથી ૭ દિવસમાં પ્રાપ્ત થયેલા વાંધા-દાવાનો નિયમાનુસાર યોગ્ય નિકાલ કર્યા બાદ આખરી મતદાર યાદી ઉક્ત સ્થળોએ પ્રસિદ્ધ કરવામાં આવશે.