રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમ થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે આજરોજ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ખેરાલુ, છોટા ઉદેપુર અને બાયડ નગરપાલિકાની ૧-૧ બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૧ બેઠક તેમજ રાજકોટ જિલ્લાની પડધરી તાલુકા પંચાયતની ૧ બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સવારથી જ મતદારો પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાટનગર ગાંધીનગરમાં એક વિવાદસ્પદ ઘટના સામે આવી છે. ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી એમ. બી. પટેલ સ્કૂલ બહાર શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન વચ્ચે અચાનક માહોલ ગરમાયો હતો. વોર્ડ નંબર ૭ કુબેરનગર ખાતે આવેલા મતદાન મથકની બહાર ભાજપ પક્ષ દ્વારા છત્રીઓ મુકવામાં આવતા આચારસંહિતાનો ભંગ થયો હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં ભારે હંગામો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાની આ સામાન્ય ચૂંટણી રાજકીય રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. પાટનગરના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ૧૩૦ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગ્યું છે. તમામ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો આજે મતદારો દ્વારા ઈવીએમ (EVM) મશીનમાં કેદ કરવામાં આવશે. ગાંધીનગર મનપા વિસ્તારમાં કુલ ૨.૫૯ લાખથી વધુ મતદારો નોંધાયેલા છે, જેમાં ૧.૩૨ લાખ પુરુષ મતદારો અને ૧.૨૭ લાખ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ વખતે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. મુખ્ય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે તમામ ૪૪-૪૪ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ ૩૨ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય અન્ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ ૧૩૦ ચૂંટણી મેદાનમાં છે. નોંધનીય છે કે, ગુજરાતના પાટનગરમાં ભૂતકાળની ચૂંટણીઓમાં અત્યાર સુધી સરેરાશ ૫૬ ટકા જેટલું મતદાન નોંધાતું આવ્યું છે, ત્યારે આ વખતે મતદાનની ટકાવારી કેવી રહે છે તેના પર સૌની નજર ટકેલી છે.
સામાન્ય ચૂંટણીઓની સાથે સાથે રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો માટે પણ આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ નગરપાલિકાની ૧ બેઠક પર ૩ ઉમેદવારો, છોટાઉદેપુર નગરપાલિકાની ૧ બેઠક પર ૩ ઉમેદવારો અને અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકાની ૧ બેઠક પર ૨ ઉમેદવારો વચ્ચે સીધો કે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. આ તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નગરપાલિકાઓ ઉપરાંત પંચાયતોની બેઠકો પર પણ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૧ બેઠક માટે ૩ ઉમેદવારો અને રાજકોટ જિલ્લાની પડધરી તાલુકા પંચાયતની ૧ બેઠક માટે ૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તમામ મતદાન મથકો પર સુરક્ષાના કડક ઈંતજામ કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન મથકોએ પહોંચી રહ્યા છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ સ્થળોના પરિણામો પર સૌની નજર રહેશે.