પડધરી તાલુકા પંચાયતની એક બેઠકની પેટાચૂંટણી માટે કાલે મતદાન યોજાશે
પડધરી તાલુકા પંચાયતની એક બેઠકની પેટાચૂંટણી માટે કાલે મતદાન યોજાશે
October 10, 2026 09:42 AM
પડધરી તાલુકા પંચાયતની થોરિયાળી અને ખોડાપીપર એમ કુલ બે ગામને આવરી લેતી એક બેઠક માટેની ચૂંટણીનું મતદાન આવતીકાલ તા. ૧૧ ઓક્ટોબરના રોજ યોજાશે, જ્યારે તા. ૧૩ ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામશે.પ્રાપ્ત વિગતો મુજબ, થોરિયાળી-ખોડાપીપર બેઠકની ચૂંટણી માટે ભાજપમાંથી ખોડા પીપરના મહેશભાઈ દેવજીભાઈ પીપળીયા, કોંગ્રેસમાંથી રાજકોટના લક્ષ્મણભાઈ ગોપાલભાઈ શિંગાળા અને અપક્ષ તરીકે સુરેશભાઈ નારણભાઈ પારિયાએ જંપલાવ્યું છે. આ ચૂંટણીમાં કુલ ચાર મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આ બેઠક હેઠળ કુલ ૪,૧૫૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨,૧૮૦ પુરુષ મતદારો અને ૧,૯૭૯ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી પડધરી મામલતદાર કેતન સખીયાને સોંપવામાં આવી છે. તેઓ ચૂંટણી અધિકારી તરીકે સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા છે. મતદાન મથકો પર જરૂરી વ્યવસ્થા, કર્મચારીઓની નિયુક્તિ તેમજ ચૂંટણીલક્ષી કામગીરી અંગેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીને લઈને જરૂરી બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.