શહેરમાં ફરી રીક્ષા ગેંગે દેખા દીધી છે. હોસ્પિટલ ચોક પાસેથી યુવાનને રીક્ષામાં બેસાડી તેમાં અગાઉથી મુસાફર તરીકે બેઠેલા શખસે ઉલટી ઉબકાનું નાટક કરી યુવાનના ખીસ્સામાંથી રૂ.૯ હજાર રોકડ સાથેનું પાકિટ સેરવી લીધું હતું. બાદમાં યુવાનને રસ્તામાં ઉતારી આ બંને શખસો નાસી ગયા હતાં. પાકિટની તફડંચી થયાનો ખ્યાલ આવ્યા બાદ યુવાને આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના સંત કબીર રોડ પરની રાજારામ સોસાયટી શેરી નં.૯માં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા કમાભાઈ વાલાભાઈ ખાંભલા (ઉ.વ.૩૮) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષાચાલક અને તેની પાછળ બેઠેલા અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધવવામાં આવી છે. કમાભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મૂળ જસદણના અજમેર ગામના વતની છે અને કમાભાઈ ટેન્કર ચલાવે છે.ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે ખાલી ટેન્કર ખંઢેરી સ્ટેડિયમ પાસે પાર્ક કરી રિક્ષામાં બેસી હોસ્પિટલ ચોક આવ્યા હતા. જયાંથી રણછોડદાસ બાપુના આશ્રમે જવા માટે બીજી રિક્ષામાં બેઠા હતા. તે વખતે રિક્ષામાં અગાઉથી એક પેસેન્જર બેઠો હતો.
થોડે દૂર ગયા બાદ આ પેસેન્જરે ઉલટી-ઉબકાનું નાટક કરી કમાભાઈના ખીસ્સામાં રાખેલું રૂા. ૯ હજારની રોકડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ સાથેનું પાકિટ તફડાવી લીધું હતું.બાદમાં રિક્ષા ચાલકે તેને કહ્યું કે આ ભાઈ બીમાર છે, તમે રિક્ષામાંથી ઉતરી જાવ. જેથી રિક્ષામાંથી ઉતરી ગયા બાદ ખીસ્સા ચેક કરતાં પાકિટ સેરવી લીધાની કમાભાઇને જાણ થઇ હતી. જેથી તેમણે તુરંત એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી રીક્ષા ગેંગને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.