રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રોફેશનલ ટેકસની વસૂલાત કરવા તેમજ નવા કરદાતાઓ શોધવા માટે વોર્ડવાઇઝ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ચાલું નાણાંકિય વર્ષમાં શહેરના ૧૮ વોર્ડમાં ૧૮૦૦૦ જેટલા વ્યવસાયિકોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વોર્ડ નં.૧થી ૧૮માં સર્વે અને રિકવરી ડ્રાઇવ હાથ ધરીને ડોક્ટર, એડવોકેટ, કન્સલ્ટન્ટ, સીએ, સીએસ, શેર બ્રોકર, કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને ખાનગી પેઢીઓ સહિતના કુલ ૧૮૦૦૦થી વધુ ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને પ્રોફેશનલ ટેક્સ વસુલાતનો ૪૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૨ કરોડનો ટાર્ગેટ અપાયો હતો જેમાં ટાર્ગેટ પ્લસ ૩૨.૦૬ કરોડની વસૂલાત થઇ હતી.
બાકીવેરા ઉપર ઓક્ટોબરથી ૧૨ ટકા વ્યાજ
રાજકોટ શહેરમાં જે કરદાતાઓનો પ્રોફેશનલ ટેક્સ બાકી હોય તેમના વેરા ઉપર ઓક્ટોબર માસથી ૧૨ ટકા વ્યાજની ગણતરી શરૂ કરાઇ છે.
૩૭ના સ્ટાફમાંથી ૩૩ એસ.આઇ.આરમાં
ટેક્સ બ્રાન્ચ દ્વારા પ્રોફેશનલ ટેક્સ રિકવરીની કામગીરી કરવામાં આવી રહી છે, બ્રાન્ચમાં ૩૭ ક્લાર્ક છે તેમાંથી ૩૩ને એસઆઇઆર માટે લઇ જતા રિકવરી ઠપ છે.